રાજકોટમાં બારે મેઘ ખાંગા થતા 12 હજાર ખાડા પડયા : રૂપિયા 77.61 કરોડનું વરસાદી ધોવાણ
150 ફૂટના બન્ને રીંગ રોડ સહિત 37.84 કિલોમીટર રસ્તાનું ધોવાણ : રૂપિયા 77.61 કરોડનું વરસાદી ધોવાણ
છુપાવીને રાખો ગાલના ખાડા ને શહેરમાં વધ્યો યાતાયાત છે, ઋતુ સરસ ચાલી રહી છે ચોમાસાની ને મને ખાડાની ઘાત છે… કોઈ કવિએ લખેલી પંક્તિ રાજકોટને લાગુ પડી રહી છે, રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોમાં ખાબકેલા મુશળધાર વરસાદ બાદ રસ્તોનો કચ્ચરઘાણ વળ્યો છે ત્યારે બારે મેઘ ખાંગા થયા બાદ રાજકોટના માર્ગો ઉપર 12 હજારથી વધુ ખાડા પડયાં હોવાનું કમિશનરે જાહેર કરી શહેરના 150 ફૂટના બન્ને રીંગ રોડ સહિત 37.84 કિલોમીટર રસ્તાનું ધોવાણ થતા રૂપિયા 77.61 કરોડનું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરમાં જન્માષ્ટમી પર્વ સમયે જ બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિમાં ધોધમાર વરસાદ ખાબકતા રાજકોટ શહેરના મોટાભાગના રસ્તોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે, જેમાં કોર્પોરેશન દ્વારા વોર્ડવાઇઝ કરવામાં આવેલા સર્વેમાં જુદા જુદા રસ્તાઓ પર 12 હજાર જેટલા ખાડા પડયાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે નાની મોટી રહેણાંક શેરીઓ અને આવા અન્ય ભાગોમાં રહેલા ખાડા ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. લોકોની અવરજવરવાળા અને મુખ્ય રાજમાર્ગો સહિતના રસ્તાઓને જ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.
વધુમાં રાજકોટ શહેરના માર્ગોના રીપેરીંગ અને નવા રોડ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકાર પાસે 77.61 કરોડની માંગણી કરવામાં આવી છે નોંધનીય છે કે, રાજય સરકારે તમામ કોર્પોરેશન વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારોમાં આ વર્ષના ભારે વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરી હતી. રાજકોટ મ્યુનિ. કમિશ્નરે ઇજનેરો દ્વારા કરવામાં આવેલા સર્વેના આધારે નુકસાનીનો આંકડો રજૂ કર્યો હતો. આ આંકડા અનુસાર મહાનગરમાં હયાત રહેલા કુલ 37.84 કિ.મી.ના રસ્તાને નુકસાની પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કુલ 207 કિ.મી. લંબાઇના રસ્તા રહેલા છે. તો 46 કિ.મી.ના સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યા છે. આ વખતના વરસાદમાં જુના અને અગાઉ પણ નુકસાનગ્રસ્ત બનેલા રસ્તાઓને ફરી વધુ નુકસાન થયું છે. ઉઘાડ નીકળ્યા બાદ કરવામાં આવેલા સર્વેમાં મહાનગરના આ મુખ્ય રસ્તાઓ પર 12 હજાર જેટલા ખાડા પડયાની નોંધ કરવામાં આવી છે.હાલમાં મહાનગર પાલિકાએ 77.61 કરોડની નુકસાની થતા નુક્શાનની રકમની માંગણી રાજય સરકાર પાસે મૂકવામાં આવી છે. સાથે જ 10.7 કિ.મી.ના બીઆરટીએસ રોડ અને નવા રીંગ રોડ માટે સરકાર પાસે 30 કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે.