શેરબજારમાં 1064 પોઈન્ટનું ગાબડું : રોકાણકારો રાતા પાણીએ રોયા
- વૈશ્વિક કારણો જવાબદાર : તમામ સેક્ટરનાં શેરમાં મંદી ફરી વળી
ડોલરની મજબૂતાઈ, ચીનના અર્થતંત્રનાં નેગેટીવ સંકેતો અને આજે અમેરિકન ફેડરલની યોજાઈ રહેલી બેઠકમાં થનારી વ્યાજના દરોની સમીક્ષા જેવા કારણોસર આજે ભારતીય શેરબજારનું સેન્ટીમેન્ટ ખરાબ થયું હતું અને ૧૦૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. કારોબાર બંધ થયો ત્યારે સેન્સેક્સ ૧૦૬૪ પોઈન્ટ તૂટીને ૮૦૬૮૪ ઉપર અને નિફ્ટી ૩૩૨ પોઈન્ટ તૂટીને ૨૪૩૩૬ કારોબાર કરતો હતો. આજે બોલેલા કડાકાને લીધે રોકાણકારોને પ્રારંભિક તબક્કમાં જ ત્રણ લાખ કરોડ રૂપિયાની નુકસાની સહન કરવી પડી હતી.
આજે તમામ સેક્ટરમાં મંદી ફરી વળી હતી. ખાસ કરીને બેંક, ઓટો, એનર્જી, મેટલ. ઓઈલ અને ગેસમાં ૧ – ૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મીડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ અને એચડીએફસી બેન્ક જેવા ઇન્ડેક્સ હેવિવેઇટ શેરોમાં વેચવાલીનું દબાણ આવતા સવારના સત્રથી જ વેચવાલી જોવાઈ હતી.
નિષ્ણાતોના મતે, રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના પરિણામો પહેલા સાઈડ પર રહેવાનું પસંદ કર્યું છે. જોકે ફેડ દ્વારા બુધવારે 18 ડિસેમ્બરના રોજ વ્યાજ દરોમાં એક ક્વાર્ટર પોઇન્ટનો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ 2025માં ફેડ વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહેલી છે.