ચોથી જગીરની માઠી દશા: ચાલુ વર્ષે 104 પત્રકારોનીહત્યા: 520 જેલમાં સબડે છે
વર્ષ 2004માં વિશ્વના વિવિધ દેશોમાં 140 પત્રકારોએ જિંદગી ગુમાવી હતી. યા તો તેમની હત્યા થઈ હતી અથવા તો યુદ્ધના રિપોર્ટિંગ દરમિયાન તેમના પર થયેલા ઇરાદાપૂર્વકના હુમલા ને કારણે મૃત્યુ પામ્યા હતા. માર્યા ગયેલાઓમાંથી અડધા કરતાં વધારે પત્રકારો ગાઝા યુદ્ધમાં ભોગ બન્યા હતા.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટે વર્ષ 2024 માટે જાહેર કરેલા રિપોર્ટમાં પત્રકારોની સુરક્ષા અને સલામતી અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે વર્ષ 2023 માં પણ 129 પત્રકારોની હત્યા થઈ હતી.
અહેવાલમાં જણાવતા અનુસાર 7 મી ઓક્ટોબર 2023 થી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધમાં 138 પેલેસ્ટિનિયન પત્રકારોને મારી નાખવામાં આવ્યા હતા. આ સંસ્થાના સેક્રેટરી એન્થોની બેલેનગરના જણાવ્યા અનુસાર પેલેસ્ટનીયન પત્રકારોને ગાઝા અને વેસ્ટ બેંક ઉપરના હુમલા દરમિયાન વીણી વીણીને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે આખી દુનિયાની નજર સામે જ આ નર સંહાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
મધ્ય પૂર્વ પછી બીજા ક્રમે એશિયામાં 20 પત્રકારોની હત્યા થઈ હતી. તેમાં ભારતના ત્રણ, પાકિસ્તાનના છ અને બાંગ્લાદેશના પાંચ પત્રકારોનો સમાવેશ થાય છે. યુક્રેન યુદ્ધ દરમિયાન ચાર પત્રકારો માર્યા ગયા છે. એ ઉપરાંત વર્ષ 2024 માં વિવિધ દેશોમાં 520 પત્રકારોને જેલમાં ગોંધી દેવાયા હતા. સૌથી વધારે ચીન અને હોંગકોંગમાં 135 પત્રકારોને જેલભેગાં કરી દેવાયા છે.