ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ : PM મોદીએ સદૈવ અટલ સ્મારક પહોંચીને આપી શ્રદ્ધાંજલિ
આજે દેશ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદી રાજઘાટ સ્થિત સદૈવ અટલ સ્મારક પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીએ પોતાનું જીવન એક મજબૂત, સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સમર્પિત કર્યું.
પીએમ મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ સદૈવ અટલ સ્મારક પહોંચી ગયા અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. અગાઉ, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેમનું વિઝન અને મિશન વિકસિત ભારતના સંકલ્પને બળ આપવાનું ચાલુ રાખશે.”

વાજપેયીની 100મી જન્મજયંતિના અવસર પર વડાપ્રધાન મોદીએ નમો એપ પર એક લેખ પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું છે કે પૂર્વ વડાપ્રધાને જે રીતે બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને એક નવી દિશા અને ગતિ આપી છે, તેમનો પ્રભાવ હંમેશા અટલ રહેશે. તેમણે કહ્યું, “આ મારુ સૌભાગ્ય હતું કે મને તેમનું ભરપૂર સાનિધ્ય અને આશીર્વાદ મળ્યા “
1924માં આ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકોમાંના એક હતા. વાજપેયી ત્રણ વખત દેશના વડાપ્રધાન બન્યા. 1996માં તેમનો પ્રથમ કાર્યકાળ માત્ર 13 દિવસનો હતો. આ પછી તેઓ 1998માં ફરી વડાપ્રધાન બન્યા અને 13 મહિના સુધી આ પદ સંભાળ્યું. 1999માં તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. તેઓ પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હતા જેમણે વડાપ્રધાન તરીકે તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
