હોળી-ધુળેટીનો વેપાર રૂ. 50,000 કરોડને પાર
-આનંદ ઉલ્લાસ અને રંગોનો આ તહેવાર ભારતના અર્થતંત્ર માટે બન્યો બુસ્ટર ડોઝ
-ચીની માલનો બહિષ્કાર હોવાથી દેશી વસ્તુઓની માંગ વધી
ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધુળેટીના તહેવારની ધૂમ છે. લોકો ભારે આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વને માનવી રહ્યા છે. ગઈ કાલે હોલીકાદાહન બાદ આજે રંગોનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ વખતે હોળીના તહેવારને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે હોળીના તહેવારને લઈને દેશભરના વેપારીઓમાં એક નવો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે લોકો સામાન ખરીદી રહ્યા છે, એ જોતાં આ વખતે અંદાજ છે કે ગયા વર્ષની સરખામણીએ દેશભરના વેપારમાં 50 ટકાનો વધારો થશે. એક અનુમાન પ્રમાણે આ વખતે વેપાર ૫૦ હજાર કરોડ રૂપિયાથી વધી જશે. એકલા દિલ્હીમાં જ આશરે રૂ. 5000 કરોડના વેપારની સંભાવના છે.જેનાથી ભારતીય અર્થતંત્રને નવું બળ મળશે.
હોળી-ધુળેટીના તહેવારોમાં અલગ અલગ રાજ્યોમાં જુદી જુદી વસ્તુઓની ખરીદી થતી હોય છે. ગુજરાતમાં ધાણી-હાયડા-ખજુર-ટોપરા-દાળિયા વગેરેની મોટાપ્રમાણમાં ખરીદી થતી હોય છે. એ જ રીતે ધૂળેટી માટે જાત જાતના રંગો, પિચકારી વગેરેની ખરીદી થતી હોય છે. આવે તો આ તહેવારોમાં એક -બીજાને ગીફ્ટ આપવાનો ટ્રેન્ડ પણ શરુ થયો છે અને તેની પણ મોટાપાયે ખરીદી થઇ રહી છે.
દિલ્હી સહિતના ઉત્તરભારતમાં સામાન્ય રીતે હોળીમાં ગુજિયા, દહીંવડા, પકોડી, પકવાન જેવી ચીજવસ્તુઓની ખરીદી થાય છે. આ ઉપરાંત મેદો સૂજી, ખાંડ, સૂકા મેવા, મસાલા વગેરેની પણ લોકો ખરીદે છે. હોળીના તહેવારે બાળકો માટે પિચકારી જરૂર ખરીદવામાં આવે છે. જોકે આ વખતે હોળીના માલસામાનને લઈને ચીનની ભાગીદારી નહીંવત્ છે. પાછલાં વર્ષોની જેમ ચીની માલસામાનનો જ માત્ર વેપારીઓએ જ નહીં પણ સામાન્ય લોકોએ બહિષ્કાર કર્યો છે. નાના વેપારીઓની સંસ્થા CAITનું કહેવું છે કે પહેલાં હોળીથી જોડાયેલા માલસામાનોની દેશમાં આયાત આશરે રૂ. 10,000 કરોડની થતી હતી, જે આ વખતે બિલકુલ નગણ્ય રહી છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો છે અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત મિઠાઈઓ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઈટમ્સ, ફૂલ અને ફળ, કપડા, એફએમસીજી પ્રોડક્ટ સહિતના અન્ય ઉત્પાદનની પણ માગ બજારોમાં જોવા મળી રહી છે.