સોનુ ઓલટાઈમ હાઈ : શેરબજારમાં પણ તેજી
સોનાના ભાવમાં માર્ચમાં જ ૫૦૦૦ વધી ગયા ,હજુ ભાવ વધશે તેવી નિષ્ણાતોની આગાહી
સોનું -ચાંદી અને શેરબજારમાં આજે ભરપુર તેજી જોવા મળી છે અને સોનાનો ભાવ તો ઓલટાઈમ હાઈ પહોચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોનાની બજારમાં આજે ભારે તેજી જોવા મળી હતી અને રેકોર્ડબ્રેક ઉછાળો થતા ભાવ ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો હતો. આ સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા થોડા સમયથી સોનાના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે અને એકલા માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂ. 5 હજારનો વધારો છે. આજના ભાવ પર નજર કરવામાં આવે તો સર્વોચ્ચ સપાટી વટાવી દીધી છે. આજે ભાવ ૬૬, ૭૭૮ સુધી પહોચી ગયો છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાની કિંમત $2,200 પ્રતિ ઔંસની ઉપર છે.
સોનાની સાથે જ ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. MCX એક્સચેન્જ પર આજે ચાંદી રૂપિયા 76,492 પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. ગઇકાલે ચાંદીની વૈશ્વિક બજારોમાં પણ વધારો જોવા મળ્યો હતો.કોમેક્સ પર ચાંદીની વાયદા ભાવ 2.79 ટકા અથવા 0.70 ડૉલરના વધારા સાથે 25.81 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 22 કેરેટ સોનાનો દર 64,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે, 20 કેરેટ સોનાની કિંમત 58,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનાની કિંમત 53,211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ સોનાની કિંમત 42,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાના ભાવમાં થયેલા જંગી વધારા અંગે નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ ફેડની બેઠક પૂરી થયા બાદ સમગ્ર વિશ્વમાં સોનાના ભાવ વધી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે ભાવ હજુ પણ વધી શકે છે. mcx પર સોનાના ભાવ રૂ. 67,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 2250 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે.
આજે શેરબજારમાં પણ તેજી જોવા મળી છે. અમેરિકી ફેડ રીઝર્વે વ્યાજદરમાં કોઈ ફેરફાર ન કરતા માર્કેટે રાહતનો શ્વાસ લીધો હતો અને આજે સતત લેવાલી રહી હતી.