સુપ્રીમ કોર્ટના વકીલોએ સાત વર્ષની માસુમ બાળકીને નવજીવન આપ્યું
સુપ્રીમ કોર્ટના એક વકીલની સાત વર્ષની માસુમ પુત્રીની મોંઘીદાટ તબીબી સારવાર માટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના સભ્યોએ આર્થિક યોગદાન આપી એ બાળકીને નવજીવન પ્રદાન કર્યું હતું.
વિગત એવી છે કે સુપ્રીમ કોર્ટના વકીલની પુત્રીને ફેનકોની એમોનિયા હોવાનું નિદાન થતાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવું અનિવાર્ય બન્યું હતું. તેનો ખર્ચ 33 લાખ રૂપિયા આવતો હતો. જો કે વકીલ પિતા માત્ર 13 લાખ ની જ સગવડ કરી શક્યા હતા.
આ અંગેની જાણ થતા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને સભ્ય વકીલોને મદદ માટે આગળ આવવા અપીલ કરી હતી. તેના અનુસંધાને પ્રથમ દિવસે જ છ વકીલોએ પાંચ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. તે પછી પણ રકમ ઘટતી હોવાનું માલુમ પડ્યા બાદ સિનિયર એડવોકેટ હરેશ સાલવે એ 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આ વકીલોની માનવતા તેમજ બંધુત્વની ઉદાત ભાવના ને કારણે આ માસુમ બાળકીને નવજીવન પ્રાપ્ત થયું છે.