સેન્સેકસ વધુ 800 પોઈન્ટ ગગડયો: રૂપિયો વધુ તૂટયો
શેરબજારમાં સતત બીજા દિવસે મંદીનું મોજુ:નેગેટીવ કારણોનો ગભરાટ
હેવીવેઈટથી માંડીને રોકડા સુધીનાં તમામ ક્ષેત્રોનાં શેરોમાં આક્રમણકારી વેચવાલી: સેન્સેકસ 65000 ની અંદર
રાજકોટ તા.3 : મુંબઈ શેરબજારમાં મંદીનો દોર શરૂ થયો હોય તેમ આજે સતત બીજા દિવસે આક્રમણકારી વેચવાલીથી હેવીવેઈટ શેરો ગગડવા સાથે સેન્સેકસમાં ઈન્ટ્રા-ડે 800 પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે માનસ મંદીનુ હતું. શરૂઆત સામાન્ય રેડઝોનમાં થયા બાદ વેચવાલીનો મારો શરૂ થતાં મોટાભાગના શેરો ગગડવા લાગ્યા હતા.
ગભરાટભરી વેચવાલીને કારણે પોઝીટીવ કારણોની પણ કોઈ સારી અસર થઈ ન હતી. મોર્ગન સ્ટેનલીએ ભારતનું રેટીંગ અપગ્રેડ કરીને લાંબા ગાળાની તેજીની હજુ શરૂઆત હોવાનો રીપોર્ટ જારી કરવા છતાં આ કારણને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યુ હતુ.અમેરીકામાં મંદીના ભણકારા અને તેના વૈશ્વીક પ્રત્યાઘાતોની આશંકાથી ગભરાટ હતો. મોંઘવારી તથા તેને કાબુમાં લેવા વ્યાજદર વધારાનો નવો ડોઝ આપવાના ભણકારાથી ખચકાટ હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે રેકોર્ડબ્રેક તેજી બાદ કરેકશન અપેક્ષીત હતું અને આ માટે કોઈ નેગેટીવ કારણ જરૂરી હતું. અમેરીકી અર્થતંત્ર ડાઉનગ્રેડ થતાં કરેકશન માટેનું કારણ મળ્યુ છે બાકી લોકલ સ્તરે કોઈ ગંભીર નેગેટીવ કારણ નથી કે જેનાથી મોટા કડાકા ભડાકા સર્જાય. શેરબજારમાં આજે બેંક, ઓટો, આઈડી, ફાઈનાન્સ, મેટલ સહીતનાં ક્ષેત્રેના શેરો તૂટયા હતા. રીયલ એસ્ટેટમાં વધુ દબાણ હતુૂં.
એશીયન પેઈન્ટસ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહીન્દ્રા, મારૂતી, નેસલે, વેદાંતા, વગેરે તૂટયા હતા.સન ફાર્મા અંબુજા સીમેન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈસર મોટર્સ, ડીવીઝ લેબ, વગેરેમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 754 પોઈન્ટના ગાબડાથી 65-27 હતો જે ઈન્ટ્રા ડે 65000 થી નીચે સરકીને નીચામાં 64963 થયો હતો. નિફટી 206 પોઈન્ટ ગગડીને 19318 હતો. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે ભારતીય રૂપિયો સતત બીજા દિવસે તૂટયો હતો.આજે 19 પૈસાના ઘટાડાથી 82.77 સાંપડયો હતો.