શ્રીનગર પાસે વાદળ ફાટ્યુ : કારગીલ હાઈ-વે બંધ
શ્રીનગર પંથકમાં વાદળ ફાટ્યાની ઘટના બની છે, ચેરવાન કંગન વિસ્તારમાં વાદળ ફાટ્યા બાદ શ્રીનગર -કારગિલ રોડ બ્લોક થઈ ગયો હતો. વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યું હતું. જેના કારણે શ્રીનગર-કારગિલ રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે અને ઘરોને પણ ભારે નુકસાન થયું છે. ઘણા વાહનો કાટમાળ નીચે ફસાયા હતા.
ગાંદરબલના એડીસી ગુલઝાર અહેમદે જણાવ્યું કે વાદળ ફાટવાની ઘટના મોડી રાત્રે બની હતી. અહીં મોટી માત્રામાં કાટમાળ જમા થયો છે. સદનસીબે કોઈનું મૃત્યુ થયું નથી. અમે એવા લોકોને બચાવ્યા છે જેમના ઘર કાટમાળમાં દબાઈ ગયા છે અને તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ ગયા છે.