શિક્ષણનું કેન્દ્રિયકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકીકરણ : સોનિયા ગાંધીનો પ્રહાર
-અંગ્રેજી અખબારમાં લખેલા લેખમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કરી ભરપૂર ટીકા
-મોદી સરકાર આવ્યા પછી દેશમાં 89,441 સરકારી શાળાઓ બંધ થઇ અને 42,944 ખાનગી શાળા ખુલી
કોંગ્રેસ ના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુદ્દા પર નરેન્દ્ર મોદી સરકારને ઘેરી લીધી છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે સરકાર કોઈપણ જરૂરી ચર્ચા વિના અને રાજકીય ઉદ્દેશ્યોને પ્રાથમિકતા આપીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 લાદી રહી છે.
એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખમાં સોનિયા ગાંધીએ કે. કેન્દ્ર સરકાર પર બાળકો અને યુવાઓના શિક્ષણ અંગે ઉદાસીન હોવાનો આક્ષેપ લગાવ્યો છે. સોનિયા ગાંધીએ લેખમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ ક્ષેત્રમાં ત્રણ કોર એજન્ડા લાગુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે કેન્દ્રીકરણ, વ્યાપારીકરણ અને સાંપ્રદાયિકરણ છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે હાઇ-પ્રોફાઇલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની શરૂઆતથી સરકારનો વાસ્તવિક હેતુ છુપાવવામાં આવી રહ્યો છે.
સોનિયા ગાંધીએ લખ્યું છે કે છેલ્લા દાયકામાં કેન્દ્ર સરકારના ટ્રેક રેકોર્ડ પરથી સ્પષ્ટ થાય છે કે તે શિક્ષણમાં ફક્ત ત્રણ મુખ્ય એજન્ડા સફળ અમલીકરણમાં વ્યસ્ત છે. કેન્દ્ર સરકાર સાથે સત્તાનું કેન્દ્રીકરણ,શિક્ષણમાં રોકાણનું વ્યાપારીકરણ અને ખાનગી ક્ષેત્રને આઉટસોર્સિંગ, પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ અને સંસ્થાઓનું સાંપ્રદાયિકરણ.
છેલ્લા 11 વર્ષમાં આ સરકારની કામગીરીની ઓળખ સત્તા કબજે કરવાની રહી છે. પરંતુ તેના સૌથી હાનિકારક પરિણામો શિક્ષણ ક્ષેત્રે જોવા મળ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાનોના બનેલા કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠક સપ્ટેમ્બર 2019 થી નથી મળી.
સોનિયાએ ગાંધીએ કહ્યું છે કે NEP-2020 દ્વારા શિક્ષણમાં આમૂલ ફેરફારો અપનાવવા અને અમલમાં મૂકતી વખતે પણ કેન્દ્ર સરકારે આ નીતિઓના અમલીકરણ અંગે રાજ્ય સરકારો સાથે એક પણ વાર સલાહ નથી લીધી. તેમજ સરકારની નીતિમાં માત્ર વાતચીતનો અભાવ નથી પણ ધમકાવવાની વૃત્તિ પણ છે.કેન્દ્ર રાજ્ય સરકારોને આપવામાં આવતી ગ્રાન્ટ પર પણ રોક લગાવે છે.
કોંગ્રેસ નેતાએ કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીનું ખુલ્લેઆમ વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે વર્ષ 2014 થી અત્યાર સુધીમાં દેશમા 89,441 સરકારી શાળાઓ બંધ અને મર્જ થઈ છે. જ્યારે આ સમય દરમિયાન 42,944 વધારાની ખાનગી શાળાઓની સ્થાપના કરવામાં આવી છે.
તેમના મતે કેન્દ્ર સરકારનું ત્રીજું ધ્યાન સાંપ્રદાયિકરણ પર છે. તેમણે કહ્યું છે કે તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના લાંબા ગાળાના વૈચારિક પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો છે. સોનિયાએ NCERT પુસ્તકોમાં પ્રકરણોમાં કથિત ફેરફારો અંગે સરકાર પર નિશાન સાધ્યું છે.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે છેલ્લા દાયકામાં આપણી શિક્ષણ પ્રણાલીને તબક્કાવાર જાહેર સેવાની ભાવનાથી મુક્ત કરવામાં આવી છે.