વડાપ્રધાને બંગાળમાં શું કહ્યું ? વાંચો
સંદેશખલીનો બદલો વૉટથી લેવાની વડાપ્રધાનની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી પહેલા પોતાનો પ્રવાસ ઝડપી બનાવી દીધો છે. ગુજરાતની મુલાકાત બાદ તેઓ પશ્ચિમ બંગાળ ગયા હતા અને અહીં મમતા સરકાર પર પ્રહાર કરીને સંદેશખલી મહિલા અત્યાચારનો મુદ્દો ઉજાગર કર્યો હતો. કૃષ્ણનગરમાં જનસભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે અત્યાચારનું બીજું નામ ટીએમસી છે. તેનો અર્થ વિશ્વાસઘાત, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ છે. અહીં લોકોનો વિકાસ જ થયો નથી. ફક્ત માફિયાઓનો વિકાસ છે.
એમણે કહ્યું હતું કે ટીએમસીએ ગરીબોને લૂંટ્યા છે. લોકોને ગરીબ બનાવી રાખવા માંગે છે. તેથી પશ્ચિમ બંગાળનો વિકાસ થવો જરૂરી છે. ખાસ કરીને સંદેશખલી મહીલા અત્યાચાર અને માફિયાગીરી અંગે કહ્યું હતું કે લોકો ભયમાં છે ત્યારે સંદેશખલીનો બદલો વૉટથી લેશો કે નહીં તેવો સવાલ પણ એમણે કર્યો હતો. મમતાની સરકારે સંદેશખલીનો અવાજ સાંભળ્યો નથી અને લોકોને ન્યાયનો ઇંતજાર છે.
મોદીએ કહ્યું હતું કે, મહાપ્રભુનું જન્મસ્થળ છે. હું ચૈતન્ય મહાપ્રભુના ચરણોમાં નમન કરું છું. એ મારું સદ્ભાગ્ય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ જે દ્વારકાનગરી વસાવી હતી જે સમુદ્રની અંદર ડૂબી ચૂકી હતી. હમણા થોડા દિવસો પહેલા જ મને સમુદ્રના ઊંડાણમાં જવાનો અને ભગવાન કૃષ્ણની પ્રાચીન ભૂમિ દ્વારકા નગરીને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું.તેમણે કહ્યું કે તમને બધાને આટલી મોટી સંખ્યામાં અહીં એકઠા થયેલા જોઈને મને એ કહેવાનો આત્મવિશ્વાસ મળી રહ્યો છે કે ‘એનડીએ સરકાર 400ને પાર! આ પશ્ચિમ બંગાળમાં મારો બીજો દિવસ છે. છેલ્લા 2 દિવસમાં મને બંગાળ માટે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાની તક મળી. આનાથી રોકાણ આવશે, રોજગારીની તકો ઊભી થશે અને પાડોસી ક્ષેત્રો પર તેનો પ્રભાવ પડશે. જો કે, આપણે એ સ્વીકારવું પડશે કે ટીએમસી સરકારે બંગાળના લોકોને નિરાશ કર્યા છે. તેઓ લોકોના વિશ્વાસ સાથે દગો કરતા રહે છે. પણ એનડીએ અહીના લોકોને ન્યાય અને વિકાસ આપશે.
બિહારમાં ફરી ડબલ એંજિનની સરકારે રફતાર પકડી
બિહારના ઔરંગાબાદમાં વડાપ્રધાને રેલી સંબોધી, નીતિશ સાથે એક મંચ પર 18 માસ બાદ દેખાયા, નીતિશની વાતોથી મોદી હસી પડ્યા
બંગાળથી વડાપ્રધાન સીધા બિહારના પ્રવાસે ગયા હતા અને અહીં ઔરંગાબાદ ખાતે જંગી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે બિહારમાં ફરી ડબલ એન્જિન સરકારે રફતાર પકડી લીધી છે. હવે સર્વ ક્ષેત્રમાં બિહારનો વિકાસ થશે. બિહારમાં વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. અહીં વિકાસની ગંગા વહેવા જઈ રહી છે.
વડાપ્રધાને લાલુ પરિવારનું નામ લીધા વિના પ્રહાર કરતાં કહ્યું હતું કે પરિવારવાદી રાજનીતિના વળતાં પાણી છે. એ લોકો હતાશ થયા છે. બિહારને લૂટનારાઓની નિંદર ઊડી ગઈ છે. પહેલા અહીં ડરનો માહોલ હતો અને લોકો પોતાના જ ઘરની બહાર નીકળતા ડરતા હતા. પણ હવે શાંતિની મોદીની ગેરંટી છે.
એમણે કહ્યું કે બિહારનો ગરીબ જ્યારે આગળ વધશે ત્યારે જ બિહાર આગળ વધશે. એનડીએની સરકારે અહીં 1 કરોડ ગરીબ મહિલાઓને ગેસ કનેક્શન આપ્યા છે. 90 ટકા ઘરોમાં નલથી જળ પહોંચાડ્યું છે. મંચ પર 18 માસ બાદ નીતિશ કુમાર વડાપ્રધાન સાથે દેખાયા હતા. આ તકે નીતિશે કહ્યું હતું કે હવે હુ તમારી સાથે જ રહીશ, ક્યાંય જવાનો નથી ત્યારે વડાપ્રધાન હસી પડ્યા હતા.