રામ નવમીએ તોફાન કર્યા તો ખેર નથી : મમતાની ચેતવણી
ગત વર્ષે રામનવમીએ બંગાળમાં રમખાણો થયા હતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ લોકસભાની ચૂંટણી દરમિયાન અને રામનવમી ઉપર દંગા ભડકાવવાની કોશિશ કરનાર તત્વો સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી હતી.
એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કહ્યું કે 15 મી એપ્રિલે અન્નપૂર્ણા પૂજા અને 17મી એપ્રિલે રામ નવમી છે. હું બધાને કહેવા માગું છું કે કોઈ તોફાનો કરવાની હિંમત કરતા નહીં અને સાથે જ કોઈ તોફાનો ભડકાવાની કોશિશ પણ ન કરતા. નહિતર પોલીસ કડક પગલાં લેતા અચકાશે નહીં.
તોફાનો સંદર્ભે ભાજપ સામે આડકતરો નિર્દેશ કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈની પણ ધરપકડ કરી શકે છે તેવી ધમકી આપતો રહે છે તો હું પણ કહેવા માગું છું કે અમે પણ ગમે તેની ધરપકડ કરી શકીએ છીએ.ઉલ્લેખનીય છે કે ગત ધારાસભાની ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જીને રામવિરોધી ગણાવ્યા હતા. ગત વર્ષે રામ નવમીના દિવસે હાવરા નોર્થ દિનાજપુર અને જિલ્લાઓમાં રામનવમીના સરઘસ દરમિયાન તોફાનો ફાટી નીકળ્યા હતા.
સીએએ લાગુ નહીં જ થાય
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં સીએએ લાગુ નહીં જ કરવાનો દાવો વધુ એક વખત દોહરાવીને સવાલ કર્યો કે જે લોકો સીએએને સમર્થન કરતા હતા એ લોકો નાગરિકત્વ માટે અરજી કેમ નથી કરતા? અત્રે નોંધનીય છે કે મમતા બેનર્જી સતત એવો પ્રચાર કરતા રહ્યા છે કે સીએએ માં અરજી કરનાર લોકો આપોઆપ વિદેશી નાગરિક ગણાઈ જશે અને તે લોકો મતદાન પણ નહીં કરી શકે. મમતા એ કહ્યું કે આસામ સહિતના નોર્થ ઈસ્ટના તમામ રાજ્યોમાં સી એ એનો વિરોધ થઈ રહ્યો છે.