ગ્રાઉન્ડ રિપોર્ટ રાજકોટમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓ AK-47 ચલાવવાનું શીખતા હતા !!
► સોનીબજારમાં દરોડો પાડી એટીએસે પકડેલા ત્રણેય ગદ્દારો 14 દિવસના રિમાન્ડ પર
► આતંકીઓનો આખરે ઈરાદો શું હતો તેને લઈને રિમાન્ડ પૂર્ણ થયે થશે મોટો ધડાકો: આતંકી અમન મલિક છેલ્લા એક વર્ષથી ટેલિગ્રામ એપ્લીકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામના શખ્સ સાથે સંપર્કમાં હતો: આ લોકોના કહેવાથી તેણે અબ્દુલ શુકરઅલી અને શૈફ નવાઝને અલ-કાયદાની તંજીમમાં જોડ્યા હતા
► ટેલિગ્રામ ઉપરાંત કનવરસેશન એપ્લીકેશનના માધ્યયમથી અમન સાથે મુઝમ્મીલ નામની વ્યક્તિ સંપર્કમાં આવી જે તેને જેહાદ અને હિજરત માટે પ્રેરિત કરતો હતો: અત્યારે ત્રણેય પાસેથી એક ભારતીય બનાવટની સેમી ઓટોમેટિક પીસ્તલ અને 10 કારતુસ ઉપરાંત અલગ અલગ સોશ્યલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય મળ્યું
► ત્રણેયના 14 દિવસના રિમાન્ડ મળતાં જ એટીએસની ટીમ મજબૂત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમદાવાદ પહોંચી
રાજકોટ, તા.2
રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતને હચમચાવી નાખતાં ગુજરાત એટીએસે સોની બજારમાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આતંકીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તમામના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. દરમિયાન આ લોકોની પ્રારંભીક પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે તેઓ વીડિયો મારફતે એકે-47 રાયફલ ચલાવવાનું શીખી રહ્યા હતા ! હાલ ત્રણેય આતંકીઓને રિમાન્ડ પર લઈને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે જેમાં તેમના ઈરાદા શું છે તેના પરથી પડદો ઉંચકાઈ જશે.
દરમિયાન ગુજરાત એટીએસના એસપી ઓમપ્રકાશ જાટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયે બાતમીના આધારે સોની બજારમાંથી અમન સીરાજ, શુકર અલી ઉર્ફે અબ્દુલ્લા અને શેફ નવાઝ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં સંગઠનની તંજીમનો પ્રચાર કરી રહ્યા હતા.
સાથે સાથે રાજકોટમાં રહેતાં બંગાળના અન્ય યુવાનોને પણ સંગઠન (તંજીમ) સાથે જોડાવવા પ્રેરિત કરી રહ્યા છે. આ ત્રણેય હથિયારો ખરીદ કરવાની ફિરાકમાં પણ હતા. આ પ્રકારની બાતમી મળતા જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, એસ.એલ.ચૌધરીના નેતૃત્વમાં પીઆઈ એચ.વી.સિસારા, એ.એસ.ચાવડા, બી.એચ.કોરાટ, કે.જે.રાઠોડ, જે.એમ.પયેલ અને પીએસઆઈ બી.ડી.વાઘેલા, વી.આર.જાડેજા, વાય.જી.ગુર્જર, એ.આર.ચૌધરી, એચ.ડી.વાઢેર, ડી.એસ.ચૌધરી, આર.સી.વઢવાણા અને પી.આર.વસાવાની બે ટીમ રાજકોટ દોડી આવી હતી અને ત્રણ દિવસ સુધી આ ત્રણેયની હલચલ પર બાજનજર રાખી હતી.
દરમિયાન 31 જૂલાઈએ અબ્દુલ શુકરઅલી (રહે.ગાર્ડન ચોક રાજકોટ-મુળ પશ્ર્ચિમ બંગાળ), અમન મલિક સિરાજ મલિક (રહે.સોનીબજાર, હસનભાઈ સોનીની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ) અને શૈફ નવાઝ અબુ શાહિદ (રહે.સોનીબજાર, શાહબુદ્દીનની દુકાનમાં-મુળ પશ્ચિમ બંગાળ)ની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ત્રણેયની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અમન અંદાજે એકાદ વર્ષથી ટેલિગ્રામ એપ્લીકેશનના માધ્યમથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવ્યો હતો અને આ વ્યક્તિઓના પ્રેરિત કરવાથી અલ-કાયદા તંજીમમાં જોડાયો હતો.
ત્યારબાદ આ લોકો પાસેથી કનવરસેશન એપ્લીકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો તેમજ ઓનલાઈન માધ્યમ દ્વારા ઓટોમેટિક હથિયાર કેવી રીતે ચલાવવું તેની તાલીમ મેળવતો હતો. આ પછી અમન ટેલીગ્રામ અને કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધારણ કરનાર વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હતો જે વ્યક્તિ અમનને જેહાદ તેમજ હિજરત માટે પ્રેરિત કરતો હતો અને તેના થકી કોઈ મોટા કામને અંજામ આપવા માટે કન્ટ્રી મેડ સેમી ઓટોમેટિક હથિયાર ખરીદ્યુંહતું.
અમને પોતાની સાથે પરિચિત એવા સુકુર અલી અને સૈફ નવાઝ જે કટ્ટરપંથી માનસિકતા ધરાવતા હોય તેમને અલ-કાયદા તંજીમમાં જોડી દીધા હતા. આ ત્રણેય આરોપીઓ પોતાના પરિચીત અન્ય બંગાળી કારીગરોને પણ તંજીમ (અલકાયદા સંગઠન) સાથે જોડાવવા માટે પ્રેરિત કરી રહ્યા હતા.
અત્યારે આ ત્રણેય પાસેથી એક ભારતીય બનાવટની સેમી ઓટોમેટિક પીસ્તલ અને દસ જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત પાંચ મોબાઈલ ફોન મળ્યા છે જેમાં અલગ-અલગ સોશ્યલ મીડિયા મેસેજિંગ એપના માધ્યમથી મેળવેલ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ, ચેટ તેમજ ઓનલાઈન હથિયારની તાલીમ અંગેનું સાહિત્ય પણ મળી આવ્યું છે.
અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા ત્રણેયને માર્ગદર્શન આપતો હતો
રાજકોટમાંથી પકડાયેલા ત્રણેય આતંકીઓની પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ ત્રણેયને અલ-કાયદાનો ખૂંખાર આતંકી અબુ તલ્હા માર્ગદર્શન આપી રહ્યો હતો. અબુ તલ્હા ઉપરાંત ફુરસાન નામના શખ્સનું નામ પણ ખુલ્યું છે જે આખરે કોણ છે તેની તપાસ ચાલી રહી છે. જ્યારે કનવેરસેશન એપ્લીકેશનના માધ્યમથી અમન મુઝમ્મીલ નામની વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો જેનું પૂરું નામ જાણવા એટીએસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
‘કુછ બડા કરના હૈ’ હેન્ડલરે ત્રણેય આતંકીઓને આપ્યો’તો મેસેજ
આતંકીઓની પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે ત્રણેય આતંકીઓને તેના હેન્ડલર દ્વારા ‘ક્ુછ બડા કરના હૈ’ એવો મેસેજ આપવામાં આવ્યો હતો. આ વાતનો મતલબ એ થાય કે આતંકીઓ ટૂંક સમયમાં જ રાજકોટ કે સૌરાષ્ટ્ર-ગુજરાતના કોઈ વિસ્તારમાં મોટી આતંકી ઘટનાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. હવે આ લોકોને કયા હેન્ડલર મારફતે મેસેજ આપવામાં આવ્યો તે સહિતની દિશામાં તપાસ ચાલી રહી છે.
આતંકીઓની ગૂગલ સર્ચ હિસ્ટરીમાં છૂપાયા છે અનેક રાજ, ટૂંક સમયમાં થશે મોટો ધડાકો
જાણવા મળતી વિગતો પ્રમાણે આતંકીઓના મોબાઈલની ગૂગલ સર્ચ હિસ્ટરી ચકાસવામાં આવતાં તેમાંથી અનેક ભડકાઉ ભાષણ, જેહાદી પ્રવૃત્તિ સહિતના વીડિયો-ઓડિયો મળી આવ્યા છે. હાલ પાંચ જેટલા મોબાઈલની સઘન તપાસ ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ આ મામલે મોટો ધડાકો થવાના ભણકારા વાગી રહ્યા છે. આતંકીઓ અત્યારે 14 દિવસના રિમાન્ડ પર છે ત્યારે તે પૂર્ણ થયા બાદ મોટા રહસ્ય પરથી પડદો ઉંચકાવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
આતંકીઓને અત્યાર સુધીમાં કેટલા પૈસા મળ્યા તેની પણ તપાસ થશે
એટીએસના એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે અમન, સૈફ નવાઝ અને શકુરઅલી ઘણા મહિનાઓથી અલ-કાયદા સાથે જોડાઈ ગયા હતા ત્યારે અત્યાર સુધીમાં તેમને કેટલા પૈસા મળ્યા છે તે સહિતની બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવશે. હાલના તબક્કે કોઈ પ્રકારની આર્થિક લેતીદેતીની વાત સામે આવી નથી.