‘માછલી ‘ મુદ્દે બંગાળમાં ભાજપ ભેરવાઈ ગયો
માછલી ખાનારાને મુઘલ ગણવાનું ભારે પડ્યું: મમતાએ એ મુદ્દો પ્રચારમાં કેન્દ્રસ્થાને લાવી દીધો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં માછલી નો મુદ્દો કેન્દ્રસ્થાને આવી ગયો છે. બીહારમાં રાજદ ના નેતા તેજસ્વી યાદવે માછલી આરોગતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ ભાજપે એ મુદ્દો ચગાવ્યો હતો પણ હવે એ મુદ્દે મમતા બેનર્જી ભાજપને જ ઘેરી રહ્યા છે. માછલીના મુદ્દાને તેમણે’ આપણે’ અને ‘એ લોકોનો’ જંગ બનાવી દીધો છે અને રાજકીય વિશ્લેષકો માને છે કે આ મુદ્દો પશ્ચિમ બંગાળના મતદારોના માનસને ઊંડે સુધી સ્પર્શી ગયો છે.
તેજસ્વી યાદવે ચૈત્રી નવરાત્રીના આગલા દિવસે પોતે વિમાનમાં માછલી ખાતો હોય તેવો ફોટો શેર કર્યા બાદ ભાજપે તેમને ધર્મ વિરોધી ગણાવવાનું અભિયાન જોરશોરથી ચાલુ કર્યું હતું. ખુદ વડાપ્રધાને પણ નવરાત્રી દરમિયાન માછલી ખાનારાઓ મુઘલ માનસિકતા ધરાવતા હોવાનું જણાવ્યું હતું. ન્યૂઝ ચેનલોએ પણ એ મુદ્દે ગરમાગરમ ડિબેટો કરી હતી.
જો કે બીજી તરફ મમતા બેનરજીએ માછલીને બંગાળની સંસ્કૃતિ સાથે જોડી દીધી. બંગાળમાં લગ્ન પ્રસંગે પણ માછલી ભેટ આપવાનો રિવાજ છે. પુત્રવધુ ને પ્રથમ ભોજનમાં માછલી પીરસવામાં આવે છે. માછલી પશ્ચિમ બંગાળના સમાજજીવનનું અભિન્ન અંગ છે. ત્યારે રાજકારણના અખંડ ખેલાડી મમતા બેનર્જીએ ભાજપની ટિપ્પણીઓને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ ઉપરના આક્રમણ સમાન ગણાવી હતી. તેમણે કહ્યું કે ‘ એ લોકો ‘ જીતશે તો ‘આપણે’ શું ખાવું તે પણ
‘એ લોકો ‘ નક્કી કરશે. તેમણે કહ્યું કે આપણે માછલી ખાઈએ છીએ એટલે ભાજપ આપણને મુઘલ ગણાવે છે. ટીએમસીના અન્ય નેતાઓ પણ આ મુદ્દે જ પ્રચાર કરી રહ્યા છે. અભિષેક બેનર્જીએ કહ્યું કે હું સવારે અને સાંજે માછલી ખાવ છું એટલે શું હું મુઘલ બની ગયો? તેમણે કહ્યું કે ભાજપ જીતશે તો આપણને માછલી પણ નહીં ખાવા દે.
રાજકીય વિશ્લેષકો માને છે કે સંદેશખાલી, ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિના મુદ્દે લોકો ટીએમસીથી કંટાળેલા હતા પણ ભાજપે સામેથી માછલી નો મુદ્દો તાસક ઉપર ભરી દીધો અને હવે ટીએમસી તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી છે.
‘આપણે’ અને ‘એ લોકો ‘
2019 માં લોકસભાના છેલ્લા ચરણમાં 9 બેઠકોનું મતદાન બાકી હતું અને તેમાંથી પાંચ બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત ગણાતો હતો. એ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની રેલી દરમિયાન થયેલા તોફાનમાં એક કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. એ ખંડિત પ્રતિમા હાથમાં લઇ અને મમતા બેનર્જીએ ફોટા શેર કર્યા હતા અને ‘ બહારના લોકો ‘ બંગાળની સંસ્કૃતિ, બંગાળની પરંપરા અને બંગાળના ગૌરવનું નિકંદન કાઢી રહ્યા હોવાનો પ્રચાર કર્યો હતો.’ આપણે ‘ વિરુદ્ધ ‘ એ લોકો ‘ ની લાગણી એવી ભડકી હતી કે એ તમામ નવ બેઠકો પર ટીએમસીનો વિજય થયો હતો. કેટલાક રાજકીય વિશ્લેષકો માછલીના મુદ્દાને પણ 2019 ની ઘટનાના પુનરાવર્તન સમાન ગણાવે છે