મહારાષ્ટ્રના અહમદનગરમાં પેસેન્જર ટ્રેનમાં 5 કોચમાં આગ લાગી
મહારાષ્ટ્ર માં આજે લોકલ ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના ન્યૂ આષ્ટીથી અહમદનગર જઈ રહેલી લોકલ ટ્રેનમાં બની છે, જ્યાં 5 કોચમાં આગ લાગી છે. આ ઘટના બપોરે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નારાયણદોડ અને અહમદનગર સેક્શન વચ્ચે બની છે. આ આગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં 4 કોચ સંપૂર્ણ આગની ઝપેટમાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે.
મુસાફરો કોચમાંથી તુરંત બહાર નિકળી જતા મોટી દુર્ઘટના ટળી
લોકલ ટ્રેનમાં સૌથી પહેલા ગાર્ડ-સાઈડ બ્રેક વાનમાં આગ લાગી, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 4 કોચમાં પણ આગ લાગી ગઈ. જોકે આગ લાગતા જ તમામ મુસાફરોને તુરંત ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈપણ મોટી જાનહાની સર્જાઈ નથી. ઘટનામાં એકપણ મુસાફરને ઈજા થઈ નથી. મુસાફરો કોચમાંથી તુરંત બહાર નિકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.
આગ પર કાબુ મેળવી લેવાયો
ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ, પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. રેલવે અધિકારીઓ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણો તપાસ કરવામાં આવી રહી છે.