મને ભાજપે ઘરમાંથી બહાર કાઢી મૂકી: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો આરોપ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર તેમનું નિવાસ સ્થાન ફરી છીનવી લીધુ હોવાનો આરોપ મૂક્યો હતો. આતિશીએ એક પત્રના માધ્યમથી ભાજપે અડધી રાત્રે સીએમ પદ માટે ફાળવવામાં આવેલું નિવાસ સ્થાન તાત્કાલિક ધોરણે ખાલી કરાવ્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
આતિશીએ દાવો કર્યો છે કે, ‘મને મુખ્યમંત્રી માટેનું ઘર મળ્યું હતું. પરંતુ તેનું એલોટમેન્ટ ભાજપ સરકારે રદ કરી દીધું છે. મારૂ ઘર છીનવાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થયાના એક રાત પહેલાં જ મને મારા નિવાસ સ્થાનમાંથી બહાર કરવામાં આવી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. જેની એક રાત પહેલાં જ ભાજપની કેન્દ્ર સરકારે મારૂ સરકારી આવાસ છીનવી લીધું. આ આવાસ મને મુખ્યમંત્રી બનવા બદલ મળ્યું હતું. ત્રણ મહિનામાં બીજી વખત મને મુખ્યમંત્રી આવાસમાંથી બહાર કરવામાં આવી છે.’