મવડી ટીપી સ્કીમમાં ડિમોલિશન કરી ૮૦૯૩ ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ
વૉઈસ ઑફ ડે, રાજકોટ
રાજકોટ મહાપાલિકાના અનેક કિંમતી પ્લોટ ઉપર દબાણો થઈ ગયા છે પરંતુ તંત્રની સુસ્તીને કારણે દબાણો ઘટવાની જગ્યાએ વધી રહ્યા છે. આવું જ એક મસમોટું દબાણ મવડી વિસ્તારની ટીપી સ્કીમની જમીનમાં થઈ ગયું હોવાનું ધ્યાન પર આવતાં સ્ટાફે દોડી જઈ તુરંત બુલડોઝર ફેરવી દીધું હતું. એકંદરે મહાપાલિકાની ૪૦ કરોડની જમીન ઉપર ૧૩ ઝુંપડા બંધાઈ ગયેલા હોવાનું જોઈ ડિમોલિશન કરનાર સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો.
ટાઉન પ્લાનિંગ શાખાએ મવડી વિસ્તારમાં જેટકો ચોકડી પાસે ટીપી સ્કીમ નં.૨૭ (મવડી)ના અંતિમ ખંડ નં.૭૦/બી (સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર)ની જમીન પર બંધાયેલું એક ઝુપડું, ટીપી સ્કીમ નં.૨૭ કે જે મવડી-પાળ મેઈન રોડ ઉપર રામધણ ચોકની બાજુમાં આવેલી છે ત્યાં ૬૦ ચો.મી. જમીન ઉપર ચાર ઝુંપડા, ટીપી સ્કીમ નં.૨૬-મવડીના અંતિમ ખંડ નં.૩/એ (સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના હેતુની) જમીન ઉપર છ ઝુંપડા તેમજ ટીપી સ્કીમ નં.૧૬-મોટામવામાં બે અસ્થાઈ ઝુંપડા તેમજ ચાપણીયાથી બનેલી દિવાલ તોડી પાડી કુલ ૮૦૯૩ ચોરસમીટર જમીન કે જેની કિંમત ૪૦.૫૦ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે તે ખુલ્લી કરાવાઈ હતી.