બાળકો શિવલિંગ બનાવતા હતા અને દિવાલ માથે પડી : ૯ નાં મોત
મધ્ય પ્રદેશનાં શાહપુરમાં બની દુ:ખદ ઘટના : મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખની સહાય જાહેર
મધ્ય પ્રદેશનાં સાગર જિલ્લાનાં શાહપુર ગામે એક મંદિરની દિવાલ પડી જવાના કારણે તેની નીચે ૯ બાળકોના દટાઈ જવાથી મોત થયા છે. અહી ભારે વરસાદ પડ્યો હતો અને બાળકો માટીનું શિવલિંગ બનાવતા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટના બાદ મુખ્યમંત્રીએ તપાસનો આદેશ આપ્યો હતો અને મૃતકના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિરની દીવાલ લગભગ 50 વર્ષ જૂની હતી અને નબળી અવસ્થામાં હતી. વરસાદના કારણે દિવાલ જોખમી બની ગઈ હતી. હરદૌલ મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન ચાલી રહ્યું હતું. ત્યારે આજે ત્યાં શિવલિંગ બનાવવામાં આવતું હતું જ્યાં બાળકો પણ હાજર હતા. 8થી 14 વર્ષની વયના અનેક બાળકો પણ ત્યાં માટીના શિવલિંગ બનાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ મંદિર પરિસરની નજીક આવેલી દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં બાળકો દટાયા હતા.
આ ઘટના પછી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે શોક વ્યક્ત કર્યો છે અને ‘ઈજાગ્રસ્ત બાળકોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે મૃતક બાળકોના પરિવારજનોને સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.