દિવાળી એટલે ભવ્ય સંસ્કૃતિક વારસો યુનેસ્કોએ આપી માન્યતા
લાલ કિલ્લા ઉપર વંદે માતરમ્નો નાદ ગૂંજી ઉઠ્યોઃ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી ખુશી
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના તહેવારને પોતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો, જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ જાહેરાત કરવામાં આવી, કે તરત જ બેઠકમાં ‘વંદે માતરમ્’ અને ‘ભારત માતા કી જય’ના નારા ગુંજી ઉઠ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું, “દેશ અને દુનિયાના લોકોમાં ગજબનો ઉત્સાહ છે. દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ખૂબ નજીક છે. તે આપણી સભ્યતાની આત્મા છે. તે જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે. યુનેસ્કોની અમૂર્ત વિરાસત સૂચિનો ભાગ બન્યા બાદ દિવાળીને વિશ્વભરમાં વધુ લોકપ્રિયતા મળશે. હું આશા રાખું છું કે પ્રભુ શ્રીરામના આદર્શો હંમેશા આપણું માર્ગદર્શન કરતાં રહેશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે 2024 માં દિવાળી માટે નોમિનેશન રજૂ કર્યું હતું અને દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાયેલી યુનેસ્કો સમિતિની બેઠકમાં આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો હતો. આ સાથે દિવાળીને દુર્ગા પૂજા, ગરબા અને કુંભ મેળા જેવી જ આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ભારત હાલમાં યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં 15 વસ્તુઓ ધરાવે છે. આમાં કુંભ મેળો, કોલકાતાની દુર્ગા પૂજા, ગુજરાતનો ગરબા, યોગ, વૈદિક મંત્રોચ્ચાર અને રામલીલાનો સમાવેશ થાય છે. દિવાળીનો સમાવેશ થવાથી વૈશ્વિક મંચ પર ભારતની સાંસ્કૃતિક પ્રતિષ્ઠામાં વધુ વધારો થશે.
