ડુંગળીના ભાવ વધારાને રોકવા સરકારે શું બનાવ્યો પ્લાન ? જુઓ
ભાવ વધારો રોકવા સરકાર 5 લાખ ટન ડૂંગળીનો બફર સ્ટોક કરશે
દેશમાં ગરીબ અને આમિર સૌ માટે ખૂબ જ મહત્વની એવી ડૂંગળી ફરી રડાવી રહી છે અને ભાવ આકાશે જઈ રહ્યા છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર બહાર આવતા જ સરકારની પણ ઊંઘ ઊડી ગઈ છે અને કેન્દ્ર સરકારે સ્થિતિ સામે લડવા માટે પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરાઇ છે ત્યારે તેના ભાવ વધુ આસમાને જવાનો ખતરો ઊભો થયો છે ત્યારે સરકાર ચાલુ વર્ષે પોતાના બફર સ્ટોક માટે 5 લાખ ટન ડૂંગળી ખરીદવાની યોજના બનાવી રહી છે. જ્યારે ભાવ વધશે ત્યારે તેને કાબુમાં લેવા માટે આ સ્ટોકનો સરકાર ઉપયોગ કરશે.
સરકારના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે નાફેડ અને એનસીસીએફ સરકાર તરફથી ખરીદી કરશે. આવી બીજી એજન્સીઓ પણ ખરીદી કરશે. કેન્દ્રના મંત્રાલય દ્વારા પાછલા વર્ષે 5 લાખ ટનનો બફર સ્ટોક બનાવ્યો હતો. જેમાંથી 1 લાખ ટન હજુ પણ ઉપલબ્ધ છે.
સરકારને ભાવમાં ઘટાડો કરીને સ્ટોકની ડૂંગળી વેચવાથી ભાવના વધારાને રોકવામાં સફળતા મળી હતી. હવે ફરીવાર સરકાર એ જ રસ્તો અપનાવશે અને સ્ટોક કરીને રાખશે અને જ્યારે પણ ભાવ વધે ત્યારે આ સ્ટોકનો ઉપયોગ કરીને લોકોને મદદ કરવામાં આવશે.
