જીએસટી કલેક્શનમાં કેટલો વધારો ? જુઓ
અર્થતંત્ર ગતિશીલ, જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડને પાર
ફેબ્રુઆરી-2024માં 12.5 ટકાનો વધારો, અત્યાર સુધીનું ચોથું સૌથી વધુ કલેક્શન
દેશનું અર્થતંત્ર ઝડપથી દોડી રહ્યું છે અને બધા જ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે અને સાથે બિઝનેસ જગતમાં પણ વિશ્વાસ વધ્યો છે. આ સ્થિતિની સૌથી મોટી દલીલ જીએસટી કલેક્શનમાં વધારો છે. ફેબ્રુઆરી, ૨૦૨૪માં ડોમેસ્ટિક વેચાણ અને આયાત વધવાને કારણે જીએસટી કલેક્શન વાર્ષિક ૧૨.૫ ટકા વધીને ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. . જે અત્યાર સુધીનું ચોથું સૌથી વધારે કલેક્શન છે. આગામી દિવસોમાં પણ વધારો થવાની આશા છે.
સત્તાવાર અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૂપિયા નોંધવામાં આવ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી વધારે છે. ત્યારબાદ જાન્યુઆરી, ૨૦૨૪માં ૧.૭૩ લાખ કરોડ રૂપિયા અને ઓક્ટોબર, ૨૦૨૩માં ૧.૭૨ લાખ કરોડ રૂપિયાનું જીએટી કલેક્શન રહ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી એટલે કે એપ્રિલ, ૨૦૨૩ થી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના ગાળામાં કુલ જીએસટી કલેક્શન ૧૮.૪૦ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૧૧.૭ ટકા વધારે છે.
ફેબ્રુઆરી, ૨૦૨૪માં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની કુલ આવક ૧,૬૮,૩૩૭ કરોડ રૂપિયા રહી છે. જે ફેબ્રુઆરી, ૨૦૨૩ કરતા ૧૨.૫ ટકા વધારે છે. ડોમેસ્ટિક ટ્રાન્ઝેકશનમાંથી જીએસટીની આવકમાં ૧૩.૯ ટકા અને વસ્તુઓની આયાતમાંથી જીએસટીની આવકમાં ૮.૫ ટકાની વૃદ્ધિ થઇ છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૬૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં જીએસટીનું સરેરાશ માસિક કલેક્શન ૧.૫૦ લાખ કરોડ રૂપિયા હતું.