ચંદ્રયાનનાં લેન્ડીંગ પોઈન્ટને મળ્યું સત્તાવાર રીતે ‘શિવશક્તિ’નું નામ
ગત ઓગસ્ટ માસમાં ઈસરોએ જ્યાં ચંદ્રયાનનું સફળ લેન્ડીંગ કરવામાં સફળતા મેળવી હતી તે ચંદ્રના દક્ષિણ ધ્રુવના સ્થળને હવે સત્તાવાર રીતે ‘શિવ શક્તિ’નું નામ મળ્યું છે. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU) એ શિવ શક્તિ નામને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે સત્તાવાર રીતે ચંદ્રયાન-3 જ્યાં ઉતર્યું છે તે જગ્યાને વિશ્વભરમાં શિવ શક્તિ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવશે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરો સેન્ટર જઈને પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને મળ્યા હતા એટલું જ નહી જ્યાં ચંદ્રયાન-3 લેન્ડ થયું હતું તેનું નામ શિવ શક્તિ પોઇન્ટ રાખવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
પ્લેનેટરી નામકરણના ગેઝેટિયર અનુસાર, પ્લેનેટરી સિસ્ટમ નામકરણ માટેના IAU કાર્યકારી જૂથે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરની લેન્ડિંગ સાઇટ માટે શિવ શક્તિ નામને મંજૂરી આપી છે.
કોઈપણ ચોક્કસ સ્થળના નામકરણની જેમ કોઈ ગ્રહ પરના સ્થળને વિશિષ્ટ રીતે ઓળખવા માટે નામ આપવામાં આવ્યું છે. તેનાથી ભવિષ્યમાં તે જગ્યા સરળતાથી મળી શકે છે અને લોકો તેના વિશે ચર્ચા કરી શકે છે.