ભારતના સૌથી લોકપ્રિય તહેવારોમાંનો એક એટલે ગણેશ ચતુર્થી. ભગવાન ગણેશની ખુબ ભક્તિભાવ સાથે પૂજા અર્ચના થાય છે. તેનું સૌથી વધુ મહત્વ મુંબઈમાં જોવા મળે છે. આમ પણ તેની શરૂઆત મહારાષ્ટ્રથી થઇ હતી. મુંબઈમાં આ ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ગણેશ દેવતાના માનમાં મોટા પંડાલ ઉભા કરવામાં આવે છે. લાખો લોકો આ પંડાલના દર્શને આવતા હોય છે. આ પંડાલો વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તેમાંથી ઘણાનો વીમો લેવામાં આવે છે. પરંતુ શા માટે આ કામચલાઉ માળખાને વીમાની જરૂર પડે છે?
ગણપતિ પંડાલોનો વીમો શા માટે લેવાય છે?
મુંબઈમાં ગણેશ ચતુર્થીના પંડાલમાં ભગવાન ગણેશની મૂર્તિઓને સુશોભિત કરવા માટે સોના અને ચાંદીના ઘરેણાં જેવી કિંમતી વસ્તુઓ હોય છે. ઘણી બધી કિંમતી વસ્તુઓ સાથે ચોરી, આગ અથવા અકસ્માતનું જોખમ વધે છે, તેથી જ મંડળો એટલે કે પંડાલનું સંચાલન કરતી સંસ્થાઓ વીમા કવરેજ મેળવવાનું પસંદ કરે છે. તે માત્ર વસ્તુઓનું જ રક્ષણ નથી કરતું પણ તેમાં સામેલ લોકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે છે.
ઉદાહરણ તરીકે, GSB સેવા મંડળ એ મુંબઈના સૌથી ધનાઢ્ય અને સૌથી પ્રખ્યાત ગણપતિ મંડળોમાંનું એક છે. 2024માં તેના પંડાલનો રૂ. 400 કરોડથી વધુનો વીમો ઉતરાવ્યો છે. આ વીમો ચોરી, આગ, ભૂકંપ અને અકસ્માતો જેવા જોખમોને આવરી લે છે. લાલબાગચા રાજા અને મુંબઈના રાજા જેવા અન્ય પ્રખ્યાત પંડાલોએ પણ તેમના તહેવારો માટે વીમો મેળવ્યો છે.
ફેસ્ટિવલના વીમાનું મહત્વ
આ વીમા પૉલિસીઓ માત્ર જ્વેલરી જેવી કિંમતી વસ્તુઓનું જ રક્ષણ કરતી નથી. તેઓ પંડાલને નુકસાન, ઉત્સવ દરમિયાન અકસ્માતો અને પ્રસાદને કારણે સંભવિત ફૂડ પોઈઝનિંગ જેવી બાબતોને પણ આવરી લે છે. ગણેશ ચતુર્થી દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો આ પંડાલોની મુલાકાત લેતા હોવાથી, અકસ્માતો અથવા અન્ય સમસ્યાઓની શક્યતાઓ વધી જાય છે. જે ઇન્સ્યોરન્સને કારણે સાવચેતી લેવાનું એક સ્માર્ટ પગલું બની શકે છે.
તાજેતરના વર્ષોમાં દુર્ગા પૂજા, જન્માષ્ટમી અને નવરાત્રી જેવા નાના તહેવારોએ પણ તેમના પંડાલનો વીમો લેવાનું શરૂ કર્યું છે, જે મોટા મેળાવડામાં સામેલ જોખમો વિશે વધતી જતી જાગૃતિને પ્રતિબિંબિત કરે છે. કેટલાક કિસ્સાઓમાં કોવિડ-19 વખતે પણ સ્વયં સેવકોના સ્વાસ્થયની સુરક્ષા માટે વીમો લેવામાં આવ્યો હતો. એકંદરે, ગણેશ ચતુર્થી જેવા તહેવારો દરમિયાન પંડાલનો વીમો કરાવવાથી આયોજકોને તેમની સંપત્તિનું રક્ષણ કરવામાં, સુરક્ષા જાળવવામાં સહાયતા રહે છે અને ભક્તો કોઈપણ ચિંતા વગર આ ઉત્સવની ઉજવણી કરી શકે છે.
