કૈલાશ ગેહલોતનું સરકાર અને આપમાંથી રાજીનામુ
પ્રજાને ઘણા વચન આપ્યા હતા પણ સરકાર બની કે તરત જ ચાલ, ચરિત્ર અને ચહેરો બદલાઈ ગયો
દિલ્હી સરકારનો સમય કેન્દ્ર સરકાર સાથે વાદ-વિવાદ કરવામાં જ વેડફાય છે, લોકહિતના કામ જ થતાં નથી તેવું કહીને
દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આતિશી સરકારના સીનીયર નેતા અને પરિવહન વિભાગના મંત્રી કૈલાશ ગેહલોતે એવું કહીને મંત્રી પદ ઉપરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે કે દિલ્હીની આમ આદમી સરકાર કેન્દ્ર સરકાર સાથે વાદ-વિવાદ કરવામાં જ પોતાનો સમય વેડફી રહી છે. કેન્દ્ર સરકાર સાથે તાલમેલ ન હોવાને કારણે પ્રજાહિતના કોઈ કામ થતા નથી. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ તેમનું રાજીનામુ મંજુર પણ કરી દીધુ છે.
આમ આદમી પાર્ટીએ આ અંગે પ્રત્યાઘાત આપતા કહ્યું છે કે, કેન્દ્ર સરકારે ઈડી અને સીબીઆઈને પાછળ લગાડી દેતા કૈલાશ ગેહલોત પાસે કોઈ વિકલ્પ રહ્યો ન હતો અને તેથી ગભરાઈને રાજીનામુ આપી દીધુ છે.
જો કે, કૈલાશ ગેહલોતે અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં પક્ષ અને સરકાર સામે કેટલાક આરોપ લગાવ્યા છે. તેમણે પત્રમાં કહ્યું છે કે, આમ આદમીની સરકાર કાયમ કેન્દ્ર સરકાર સાથે બાખડતી જ રહે છે તેને લીધે વિકાસ કાર્યોમાં અડચણ ઉભી થાય છે.
તેમણે કહ્યું છે કે, પ્રજાને જે સુવિધા જોઈએ છે તે મળતી નથી. તેમણે યમુના નદીની સફાઈનો મુદ્દો પણ ઉભો કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રજાને વચન આપ્યા પછી પણ આ દિશામાં કોઈ કામગીરી થઇ નથી. છેલ્લા દસ વર્ષમાં પ્રદુષણ ઓછું થવાને બદલે વધતું જાય છે.
કૈલાશ ગેહલોતે મુખ્યમંત્રી નિવાસસ્થાનને શીશ મહલનું રૂપ આપવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે. સરકાર રચાઈ ત્યારે પ્રજા પાસે સાદગીનો વાયદો કર્યો હતો પણ સરકાર બનતા જ પક્ષની ચાલ, ચરિત્ર અને ચહેરો બદલાઈ ગયો છે. પ્રજાના પૈસાનો આવો દુરુપયોગ યોગ્ય નથી. પ્રજા સાથે મજાક થઇ છે. આવી તો અનેક બાબતોનો ઉલ્લેખ પોતાના પત્રમાં કરીને તેઓ ભારે મન સાથે પક્ષ છોડે છે તેવું પણ લખ્યું છે.
ભાજપ પાસે મોદી વોશિંગ પાવડર છે :સંજય સિંહ
કૈલાશ ગેહલોતે રાજીનામુ આપ્યા પછી પ્રત્યાઘાત આપતા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું હતુ કે, ભાજપ પાંચ વર્ષથી કૈલાશ ગેહલોત સામે ષડ્યંત્ર રચતો હતો અને અંતે તે સફળ થયો છે. ગેહલોત પાસે ભાજપમાં ગયા વગર કોઈ રસ્તો જ બચ્યો નથી. અત્યારે ગેહલોત ભાજપની ભાષા બોલવા લાગ્યા છે. એક વાર ભાજપમાં જોડાઈ જાવ એટલે તમારી સામે જે આરોપો હોય તે ખતમ થઇ જાય છે. કારણ કે ભાજપમાં મોદી વોશિંગ પાવડર છે. અને આ વોશિંગ પાવડરથી બધાને ધોવામાં આવે છે.