કેજરીવાલની ધરપકડનો વિરોધ, 13 પક્ષના નેતાઓ જોડાશે
લોકસભાની ચુંટણી પ્રચાર જોરમાં છે અને બીજી બાજુ વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે લડત ચાલુ રાખવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘ઈન્ડિયા’ ગઠબંધનની મહારેલી દીલ્હીનાં રામલીલા મેદાનમાં આજે યોજાશે. રવિવારનો દિવસ હોવાથી લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવો દાવો કરાયો છે. લોકતંત્ર બચાઓના નારા સાથે આ રેલી યોજાઇ રહી છે.
આ રેલીમાં ગઠબંધનના ૧૩ સહયોગી પક્ષો જોડાશે. બીજીબાજુ અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે ‘કેજરીવાલ કો આશિર્વાદ’ વોટ્સએપ અભિયાન લોન્ચ કર્યું હતું. એમણે એવો આરોપ પણ મૂક્યો હતો કે કેજરીવાલની સતામણી કરાઇ રહી છે અને એમની તબિયત સારી નથી.
મહારેલીમાં સુનીતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પણ સંબોધન કરશે. આ સિવાય મહારેલીમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, ડેરેક ઓ’બ્રાયન, ટી. શીવા, ફારુક અબ્દુલ્લા, ચંપઈ સોરેન, કલ્પના સોરેન, સીતારામ યેચુરી, ડી. રાજા, દીપંકર ભટ્ટાચાર્ય અને ફોરવર્ડ બ્લોકના કેજી દેવરાજન જોડાશે.
આ મહારેલીમાં ૨૦૦૦૦થી વધુ લોકો ઉમટી પડશે તેવી ઈન્ડિયા ગઠબંધનને આશા છે. આ રેલીમાં ‘તાનાશાહી હટાઓ, લોકતંત્ર બચાઓ’નો સૂત્રોચ્ચાર લખેલો હશે. લોકસભા ચૂંટણી પહેલાં ઈન્ડિયા ગઠબંધનની આ પહેલી મોટી રેલી હશે.