ભારત પન્નુ વિરોધના પુરાવા રજૂ કરશે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકાની ફેડરલ બ્યુરો એજન્સીના ડિરેક્ટર ક્રિસ્ટોફર એ.રે આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવશે. અમેરિકાની ભૂમિ ઉપર અમેરિકન નાગરિક ગુરુપત્વાનસિંઘ પન્નુની હત્યાના કાવતરામાં યુએસ ફેડરલ એજન્સી દ્વારા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા તથા એક અનામી અધિકારી સામે ચાર્જશીટ રજૂ કરાયા બાદ એફબીઆઇના વડા ભારત આવી રહ્યા છે તે ઘટનાને ઘણી સૂચક માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2017માં ચાર્જ સંભાળ્યા બાદ રે પ્રથમ વખત ભારત આવી રહ્યા છે. એ જ રીતે એફબીઆઈના ડિરેક્ટર ભારતની મુલાકાતે આવતા હોય તેવી 12 વર્ષ પછીની આ પ્રથમ ઘટના હશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર એફબીઆઇના વડા સાથે એ એજન્સીના અન્ય ટોચના અધિકારીઓ તથા લીગલ ટીમ પણ સામેલ રહેશે. રે ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના વડા દિનકર ગુપ્તા તેમજ ગૃહ મંત્રાલય અને ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં આતંકવાદ, આતંકવાદીઓ અને ગેંગસ્ટરની સાંઠગાંઠ તેમજ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના મુદ્દાઓ ચર્ચમાં આવશે.
ભરત પુરાવા રજૂ કરશે
આ બેઠકમાં ભારત દ્વારા ગુરૂપત્વાન સિંઘ, સીધુ મુસેવાલા ના હત્યારા અમેરિકા સ્થિત ગેંગસ્ટર દરમનજોત સિંહ કાહલોન અને માર્ચ મહિનામાં સન ફ્રાન્સિસકો ખાતે ની ભારતીય રાજદૂત કચેરીમાં તોડફોડ કરનાર ખાલીસ્તાન સમર્થકો વિરુદ્ધના સજ્જડ પુરાવા રજૂ કરવામાં આવશે.ભારત દ્વારા સીધા જ એફબીઆઈના ડિરેક્ટરને પુરાવા આપવામાં આવે તેવી આ પ્રથમ ઘટના બની રહેશે.