અરબી સમુદ્રમાં આકાર લઇ રહેલું લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાઈ શકે
આગામી 48 કલાકમાં સ્પષ્ટ થશે સ્થિતિ, હવામાન ખાતાની સતત નજર
અરબી સમુદ્રમાં વાવાઝોડાની સીસ્ટમ આકાર લઇ રહી છે અને આગામી ૪૮ કલાકમાં તે વાવાઝોડામાં પરિવર્તિત થઇ શકે છે તેવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે. આ સીસ્ટમ સોમનાથ અને વેરાવળથી ૯૯૮ કિલોમીટર દુર દરિયામાં આકાર લઇ રહી છે. અને તે મજબુત થઈને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
જો કે, આ વાવાઝોડું ગુજરાતને કેટલું અસરકર્તા થઇ શકે છે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો આ વાવાઝોડું ઉદ્ભવશે તો તે તેજના નામે ઓળખાશે.
IMDની આગાહી છે કે આગામી 48 કલાકની અંદર એક લો પ્રેશર ઉત્પન્ન થઈ શકે છે. નોંધનીય છે કે ઑક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધી બંગાળની ખાડી અને અરબ સાગરમાં અનેક વાવાઝોડા આવશે તેવી આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી.
હાલ તો આ વાવાઝોડાનું નામ તેજ હોવાનું સામે આવી રહ્યું છે. IMDની આગાહી અનુસાર આ લો પ્રેશર 21 ઓકટોબર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. જોકે નિષ્ણાતોનું માનીએ તો હાલ આ લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાશે જ તેવી સંભવાનાઓ ઓછી છે.
જોકે હાલ તો ભારતના હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને પળેપળ નજર રાખવામાં આવી રહી છે. ઓકટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય વાવાઝોડા માટે અત્યંત અનુકૂળ સમય છે. જો તેજ વાવાઝોડું ઊભું થાય તો 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
બિપોરજોય જેવા હાલ ન થાય તેવી પ્રાર્થના
મુંબઈ, ગોવા, પૂણે સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂન મહિનામાં ગુજરાત રાજ્ય પર બિપોરજોય નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાની ઝડપ શરૂઆતમાં તો ઓછી હતી પરંતુ દરિયા કિનારે ટકરાયું ત્યારે અત્યંત વિકરાળ રૂપમાં જોવા મળ્યું હતું. તેજ વાવાઝોડાનો વિસ્તાર સમુદ્ર તળ પર 3.1 કિમી સુધી ફેલાયેલો છે.