અયોધ્યા રામ મંદિર માટે એક ભક્તે બનાવ્યું આટલા કિલો નું તાળું જુવો..
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. પહેલા માળનું મોટા ભાગનું મંદિર સંકુલ પૂર્ણતાના આરે છે અને આ દરમિયાન અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર માટે 400 કિલોનું તાળું તૈયાર કર્યું છે. જાન્યુઆરી 2024માં મંદિર ભક્તો માટે ખુલે તેવી અપેક્ષા છે.
ભગવાન રામના ભક્ત સત્ય પ્રકાશ શર્મા, જેઓ પોતાના હાથથી બનાવેલા તાળાઓ માટે પ્રખ્યાત છે, તેમણે ‘વિશ્વનું સૌથી મોટું હાથથી બનાવેલું તાળું’ બનાવવા માટે મહિનાઓ સુધી સખત મહેનત કરી. આ વિશાળ તાળું 10 ફૂટ ઊંચું, 4.5 ફૂટ પહોળું અને 9.5 ઇંચ જાડું છે અને 4 ફૂટ લાંબી ચાવીથી ખુલે છે. સત્ય પ્રકાશ શર્માએ આ લોક બનાવવા માટે તેમના જીવનની બચતનો ઉપયોગ કર્યો, કારણ કે તેને બનાવવામાં લગભગ 2 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.
પતિ-પત્નીએ મળીને તાળું તૈયાર કર્યું છે
તેણે કહ્યું, “હું દાયકાઓથી તાળા બનાવવાનો વ્યવસાય કરતો હોવાથી મેં મંદિર માટે એક વિશાળ તાળું બનાવવાનું વિચાર્યું છે. કારણ કે અમારું શહેર તાળાઓ માટે જાણીતું છે અને આ પહેલાં કોઈએ આવું કંઈ કર્યું નથી.’ તેણે કહ્યું કે આ મારા માટે ‘પ્રેમનો શ્રમ’ છે, જ્યારે મારી પત્ની રૂકમણીએ પણ મને આ કામમાં મદદ કરી છે. સત્ય પ્રકાશ શર્મા આ વર્ષના અંતમાં રામ મંદિરના અધિકારીઓને અનોખું તાળું ભેટમાં આપવાની યોજના બનાવી રહ્યા છે.