અમે કોઈને દુભવ્યા નથી, છતાં કોઈને એવું લાગ્યું હોય તો મિચ્છામી દુકકડમ: અસિત મોદી
‘તારક મહેતા કા…’ શોને 15 વર્ષ પુરા થયા
♦ શો છોડી ગયેલા કલાકારોના નામનો ઉલ્લેખ કર્યા વિના ‘તારક મહેતા કા…’ શોના પ્રોડયુસરે બિનશરતી માફી માંગી
મુંબઈ: પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ 15 વર્ષ પુરા કરતા શોના પ્રોડયુસર અસિતકુમાર મોદીએ આ 15 વર્ષની યાત્રા વર્ણવતા કહ્યું હતું કે તેમણે કોઈનું ખરાબ ઈચ્છયુ નથી તેમ છતાં કોઈને ખરાબ લાગ્યું હોય તો મિચ્છામી દુકકડમ.
ઉલ્લેખનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાંથી ઘણા કલાકારો આઉટ થઈ ગયા છે. દયાબેનનું પાત્ર ભજવતા દિશા વાકાણી, તારક મહેતા બનેલા શૈલેષ લોધા વગેરે આ કલાકારોને પેમેન્ટ મામલે વિવાદના સમાચારો આવેલા. રોશન ભાભીનું પાત્ર ભજવનાર એકટ્રેસે જાતીય સતામણીના આરોપ અસિતકુમાર સામે લગાવ્યા
હતા.
અસિતકુમારે જણાવ્યું હતું કે, હું ખાતરી આપું છું કે અમે કોઈની સાથે કયારેય દુર્વ્યવહાર નથી કર્યો કે કોઈને કંઈ ખોટું પણ નથી કહ્યું. તેમ છતાં કોઈને ખરાબ લાગ્યું હોય તો હું બધાની સહૃદયતાથી માફી માગું છું. અમારી જૈન જ્ઞાતિમાં ‘મિચ્છામી દુકકડમ’ શબ્દ છે. જેનો અર્થ છે કોઈની લાગણી દુભાઈ હોય તો તેમની બિનશરતી માફી માંગવી.
અસિતકુમારે જણાવ્યું હતું કે આ 15 વર્ષ દરમિયાન અમે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, એવા ઘણા લોકો હતા જેમણે ‘ગોકુલધામ સોસાયટી’ની ઈમેજને બગાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ અમે આ બધાનો પોઝીટીવ માઈન્ડ સેટથી સામનો કર્યો.