અમેઠીથી ત્રીજીવાર સ્મૃતિ ઈરાનીએ ફોર્મ ભર્યું
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે અમેઠી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન પહેલા તેમણે રોડ રેલી પણ કરી હતી, જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ હાજર હતા. બીજેપીએ ત્રીજી વખત અમેઠી સીટ પરથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. 2014માં પહેલીવાર ચૂંટણી લડ્યા અને રાહુલ ગાંધી સામે હારી ગયા. આ પછી 2019માં તેમણે રાહુલ ગાંધીને હરાવીને આ સીટ જીતી હતી. પાર્ટીએ ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અહીં 5 મા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે.
નોમિનેશન ભર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે અમેઠીની સેવા કરવા માટે આજે તેમણે નામાંકન ભર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અમેઠીમાં પીએમ આવાસ યોજના હેઠળ 1,14,000 મકાનો બનાવવામાં આવ્યા છે. તેમજ 1.5 લાખ પરિવારોને વીજળી કનેક્શન મળ્યા છે. આ સિવાય 4 લાખથી વધુ ખેડૂતોને પીએમ સન્માન નિધિની રકમ મળી છે. મને આશા છે કે જનતા આ વખતે પણ વડાપ્રધાન મોદી અને ભાજપને તેમના આશીર્વાદ આપશે.
કોંગ્રેસે પોતાનો ઉમેદવાર નક્કી કર્યો નથી
સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી ઉમેદવારી નોંધાવી છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરી નથી. કોંગ્રેસ આ બેઠક પરથી રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને મેદાનમાં ઉતારી શકે છે. જો કે અમેઠી કોંગ્રેસે પણ રાહુલ ગાંધીના નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી 3 મેના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે. જો કે એવા સમાચાર પણ મળી રહ્યા છે કે રાહુલ ગાંધી આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે.