અમિત શાહે શું કરી જાહેરાત ? જુઓ
મહત્વનો કાયદો ક્યારે લાગુ થશે ?
લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી હતી. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો ( સીએએ ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે.’ કોઈએ કોઈ કન્ફ્યુઝન રાખવાની જરૂર નથી.
વિપક્ષ પર આરોપ લગાવીને ગૃહમંત્રીએ કહ્યું, ‘નાગરિકતા સંશોધન કાયદાનો ઉદ્દેશ્ય માત્ર પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને જ નાગરિકતા આપવાનો છે જેઓ ધાર્મિક અત્યાચારનો સામનો કરી રહ્યા છે. આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.’
ચુંટણી અંગે એમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષને પણ અંદાજ આવી ગયો છે કે ફરીવાર બધાએ વિપક્ષમાં જ બેસવાનું છે. દેશની જનતા ભાજપને 370 બેઠક આપશે જ તેવો વિશ્વાસ છે. સીએએ અંગે શાહે કહ્યું હતું કે 2019 માં આ કાયદો પસાર થયો હતો. આ સંબંધે નિયમો જારી કરીને ચુંટણી પહેલા જ દેશમાં લાગુ કરવામાં આવશે. સામાજિક બદલાવ માટે આ કાયદો જરૂરી છે.
થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો હતો કે આગામી સાત દિવસમાં સીએએ લાગુ કરવામાં આવશે. નાગરિકતા સંશોધન કાયદો ડિસેમ્બર 2019માં જ સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાષ્ટ્રપતિએ આ બિલને મંજૂરી આપી હતી અને કાયદો બની ગયો હતો. આ કાયદામાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતીઓને નાગરિકતા આપવાની પણ જોગવાઈ છે.
સીએએ બિલ પાસ થતા તેનો દેશભરમાં વિરોધ થયો હતો. દિલ્હીના શાહીન બાગમાં મહિલાઓ ધરણા પર બેસી ગઈ હતી. 2023માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે,’સીએએ લાગુ કરવા કોઈ રોકી શકશે નહીં.’