પધારો પર્વાધિરાજ ! આપની પધરામણી અમારી મનગમતી વધામણી
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર.સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ પહેલો
લોકોત્તર પર્વ જે આત્માની શુદ્ધિ કરાવી સિદ્ધત્વ પ્રાપ્ત કરાવે
લોકોત્તર પર્વ જે સંસાર સાગરથી તારી અવિનાથી સુખ પ્રાપ્ત કરાવે
બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ ધર્મ-ધ્યાન કરીને પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.
આજનો દિવસ એટલે પર્વાધિરાજ પર્યુષણનો પ્રથમ દિવસ. જિનશાસન દેવની અનરાધાર કૃપામાં સંયમની સાધનાના મંડપ બંધાયા છે. આ દિવસો પ્રેરણા, જાગૃત્રત, દિવ્ય સંદેશ લઈને આવ્યા છે. ભાવોની જાગૃતિથી આત્મામાં લીન થવાના દિવસો આવ્યા છે. સંજ્ઞાની ગુલામીમાંથી મુક્તિ પામીને ધર્મલાભના દિવસો આવ્યા છે. આરાધના કરીને આરાધક બનવાના દિવસો, સાધના કરીને સાધક બનવાના દિવસો, ઉપાસના કરીને ઉપાસક બનવાના દિવસો આવી ગયા છે.
આત્માની આરાધના કરવા માટે શ્રાવણ વદી તેરસના દિવસે બાહ્ય ત્યાગ-તપની સાથે અભ્યંતર શુદ્ધતાના દિવસો છે. લીલોતરી, કંદમૂળ, હોટેલ, ક્રોધનો ત્યાગ કરવાનો છે. આત્માને કર્મ બંધાવે તેવી પ્રવૃત્તિનો ત્યાગ. આત્માને કર્મોથી મુક્ત કરી પરમાત્માના માર્ગે જવાના પર્વ આવી ગયા છે.
જૈન દર્શનમાં આત્માને તારવાના બે માર્ગ છે. એક, તીર્થ અને બીજું, પર્વ. જે તારે એ તીર્થ. જે જીવનનૈયા પાર કરાવે તે પર્વ. તીર્થ માટે આપણે તીર્થસ્થાને જવું પડે પણ પર્વ આપણે જ્યાં હોઈએ ત્યાં આવી જાય. તીર્થમાં આપણે જોડાવું પડે પણ પર્વમાં આપણે આપોઆપ જોડાઈ જઈએ છીએ. તીર્થ તમામ વૃત્તિઓને રોકે છે પણ પર્વ આત્માની પ્રવૃત્તિઓ કરાવે છે. તીર્થમાં સંપત્તિનો સદ્વ્યય થાય છે. જ્યારે પર્વ એ દાનની સરવાણી છે. તીર્થમાં શીલ પાળવાનું છે પણ પર્વમાં બ્રહ્મચર્યની સાધના થાય છે. પર્વના શ્રેણિક તપમાં બધા જોડાઈ જાય છે. જ્યાં તીર્થંકર પરમાત્માના કલ્યાણકો થયા હોય, જ્યાં તીર્થંકરોના જીવનમાં ભવસાગર પાર કરવાના પ્રસંગો બન્યા હોય એ તીર્થ.
આપણને મળેલું સુખ પુણ્ય સાથે બંધાયેલું છે. પુણ્ય ધર્મ સાથે, ધર્મ શાસન સાથે, શાસન તીર્થંકર ભગવંતો સાથે, તીર્થંકર ભગવાન કેવલ જ્ઞાન અને કેવલ દર્શન સાથે બંધાયેલાં છે. ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવલજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. એમ તીર્થંકરોના પાંચ કલ્યાણક છે. સ્વયં પોતે તરે અને બીજાને તારે તે તીર્થંકર છે. કર્મમાંથી મુક્ત કરે છે.
પર્વાધિરાજ શા માટે ?
હમણા ગયા તે લૌકિક પર્વ છે. લૌકિક પર્વ એટલે જ્યાં તમામ કેન્દ્રમાં સ્વાર્થ વૃત્તિ હોય છે. સંસાર કેન્દ્રમાં હોય, સુખી થવાની ઈચ્છા હોય. પરિવારની સમૃદ્ધિ વધે. તમારી મનોઈચ્છા પ્રમાણેની પરિસ્થિતિનું સર્જન થાય તે છે. પરિવાર કેન્દ્રીય છે. અત્યારે બધું સારું રહે તે લૌકિક પર્વ છે. આત્માની શુદ્ધિ, આરાધનાનું પર્વ છે. સંસાર ગૌણ-આત્મા પર કેન્દ્ર છે. લોકોત્તર પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ. પર્યુષણમાં આહારનો ત્યાગ, તપનો મહિમા બતાવ્યા છે. દુ:ખને ભૂલીને આત્માના શ્રેયમાં સુખ માનવું. લોકોત્તર પર્વ એટલે આત્માના કર્મ ખરી જાય. પરમાત્માનો ભેટો થઈ જાય. લોકોત્તર પર્વ એટલે સાધનાની સફળતા. ક્રોધ, અહંકાર, સ્વાર્થનો ત્યાગ. આત્માને પરમાત્મા સાથે જોહાણ કરવાનું પર્વ.
તુમ લગા સકો તો બાગ લગાઓ
આગ લગાના મત શીખો.
તુમ બીછા સકો તો ફૂલ બીછાઓ
કાંટે બીછાના મત શીખો.
તુમ પીલા સકો તો અમૃત પીલાઆો
તુમ ઝહર પીલાના મત શીખો.