વર્ષોનો સંઘર્ષ અને રામભક્તોની મહેનત રંગ લાવી છે
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલદાસની વોઈસ ઓફ ડે સાથે ખાસ વાતચીત
- પૂર્વજોનું સપનું આકાર લઈ રહ્યું છે
- અયોધ્યામાં રામ મંદિર બનવું એ મારું સૌભાગ્ય
- લાખ્ખો લોકો એક સાથે રામ જન્મભૂમિના દર્શન કરશે એ ક્ષણ ઐતિહાસિક
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ અને મણિરામ દાસ છાવણીના મહંત નૃત્ય ગોપાલ દાસને મળીને તેમની સાથે વાત કરવાનું સૌભાગ્ય આજે વોઈસ ઓફ ડેની ટીમને મળ્યું હતું. અયોધ્યામાં તેમના આવાસ ખાતે થયેલી આ ખાસ વાતચીત દરમિયાન તેમણે માત્ર અયોધ્યા નગરી જ નહી પરંતુ સમગ્ર દેશમાં જે માહોલ બન્યો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, બધા એક સાથે મળીને ભગવાન રામનું સ્વાગત કરશે. તેમણે કહ્યું હતું કે, વર્ષોનો સંઘર્ષ અને અનેક રામ ભક્તોની મહેનત રંગ લાવી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે તે મારા અને દરેક રામ ભક્ત માટે સૌભાગ્યની ક્ષણ છે.
તેમણે વોઈસ ઓફ ડેને શુભેચ્છા આપી હતી અને ટીમને આશીર્વાદ પણ આપ્યા હતા.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસજી મહારાજ કે જેમણે અયોધ્યામાં રામ મંદિર માટે આંદોલન થી લઈને કોર્ટ સુધી મહત્વની ભૂમિકા ભજવી છે એમણે કહ્યું કે, રામ મંદિર બની રહ્યું છે એ મારા માટે ખુબ સૌભાગ્યની વાત છે અને લોકો ભાગ્યશાળી છે કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે
તેમણે જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ જે સ્વપ્ન જોયું હતું તે સાકાર થઈ રહ્યું છે અને ભગવાન શ્રી રામ લલ્લા ગર્ભ ગૃહનાં તેમના સિંહાસન પર બિરાજશે તે ઐતિહાસિક ઘટના હશે.
નૃત્ય ગોપાલદાસજી મહારાજને જયારે વોઇસ ઓફ ડે તરસ્ફથી પૂછવામાં આવ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું સપનું પૂર્ણ થયું છે ત્યારે કેવું અનુભવી રહ્યા છે? તેવું પૂછતાં તેના જવાબમાં કહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તે મારા માટે સૌભાગ્યની વાત છે, અને રામ ભક્તો ભાગ્યશાળી છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સાધુ-સંતો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે આનાથી વિશેષ શું હોઈ શકે ?
તેમણે કહ્યું કે આ સૌભાગ્યની વાત હશે કે લાખો ભક્તો એકસાથે શ્રી રામ જન્મભૂમિના દર્શન કરશે. તેમણે કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને નિર્માણ સમિતિની વારંવારની બેઠકોના કારણે મંદિરના નિર્માણની હાલની સ્થિતિ શક્ય બની છે. નાના નાના મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું અને તે આ મહાન અભિયાનની સફળતા છે.
૮૬ વર્ષે પણ સક્રિય છે નૃત્ય ગોપાલદાસ મહારાજ
મહંત નૃત્ય ગોપાલ દાસ (જન્મ – 11 જૂન 1938) અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિ રામ દાસની છાવણીના વડા અને રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના વડા છે, જે રામમંદિરનાં નિર્માણ માટે રચાયેલી છે. તેઓ શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના વડા પણ છે.૮૬ વર્ષની વયે પણ તેઓ મંદિરના નિર્માણકાર્ય સાથે સક્રિય રીતે સંકળાયેલા છે અને તેમની દેખરેખ હેઠળ જ આ ઐતિહાસિક મંદિરનું નિર્માણ થયું છે.
અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે અનેક લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. નૃત્ય ગોપાલદાસજી મહારાજ કે જેમણે માત્ર ૧૨ વર્ષની ઉંમરમાં વૈરાગ્ય ધારણ કર્યું હતું ત્યારબાદ તેઓ નાની ઉંમરમાં જ મથુરાથી અયોધ્યા આવ્યા હતા અને ત્યારથી જ રામ મંદિર માટે ચાલતા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.