અયોધ્યાના શ્રીરામ મંદિરની વિશેષતા કેવી છે જુઓ ..
પરંપરાગત નાગર શૈલીથી બનેલુ આ મંદિર ત્રણ માળનું છે, 392 થાંભલા છે,44 દરવાજા છે
ભગવાન શ્રીરામનું મંદિર તેમની કર્મભૂમિ અયોધ્યામાં નિર્માણ થયુ છે. પોષ સુદ 12 વિક્રમસંવત 2080 સોમવાર તા. 22 જાન્યુઆરી 2024ના શુભદિને તેમાં ભગવાન રામના બાળસ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા થશે. દુનિયાભર રામમય બની ગયુ છે ત્યારે આવો જાણીએ આ રામ મંદિરની વિશેષતા વિશે.

આ રામ મંદિર પરંપરાગત નાગર શૈલીથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ છે, પહોળાઈ 250 ફૂટ છે, ઊંચાઈ 161 ફૂટ છે.

ત્રણ માળનું આ મંદિર છે.દરેક માળની ઊંચાઈ 20 ફૂટ છે, કુલ 392 થાંભલા છે, 44 દરવાજા છે.
આ મંદિરના ભૂતળ(નીચેના)ના ગર્ભગૃહમાં પ્રભુશ્રી રામનું બાળસ્વરૂપ એટલે કે રામ લલ્લાનો વિગ્રહ છે,તે પધરાવવામાં આવ્યું છે. . પહેલા માળના ગર્ભગૃહમાં શ્રી રામ દરબાર છે.

આ મંદિરમાં કુલ પાંચ મંડપ છે, તેમાં નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ(સભા) મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપનો સમાવેશ થાય છે. થાંભલા દિવાલમાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે.
આ રામ મંદિરમાં પ્રવેશ 32 પગથિયા (16.5 ફૂટ ઊંચાઈ) ચડીને સિંહ દ્વારથી થશે. જોકે, દિવ્યાંગ લોકો અને વૃદ્ધજનો માટે લીફટની સગવડ છે.

ચારે ય બાજુ આયાતી પરકોટા (પ્રાકાર) છે તેની લંબાઈ 733 મીટર છે.પહોળાઈ 4.25 ની છે, આ પરકોટાના ચારેય ખૂણે ચાર મંદિર છે, તેમાં દેવાધિદેવ મહાદેવ, ભગવતી, ભગવાન સૂર્ય, દક્ષિણદિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજીના મંદિર છે. મંદિરની સામે જ પુરાણકાળની સીતા કૂપ છે.
શ્રી રામ મંદિરના પરિસરમાં હજુ પણ જે નવા મંદિર બનવાના છે, તેમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર , મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ અને માતા શબરી તથા માતા અહલ્યાના મંદિરોનો સમાવેશ થશે.દક્ષિણ – પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીકા પર સ્થિત શિવ મંદિરનો જિર્ણોધ્ધાર તથા રામભક્ત જટાયુની પ્રતિમા મૂકવામાં આવશે.
મંદિર ગર્ભગૃહમાં જ્યા રામલલ્લા બિરાજવાના છે એ આસન પણ તૈયાર થઈ ગયુ છે. ચંદ્રકાંત સોમપુરાના જણાવ્યા અનુસાર અમે 5.5 ફૂટની ત્રણ પ્રતિમા બનાવી છે, એક શ્યામ રંગની, બીજી ઘાટી કાળા શાલિગ્રામ પથ્થરની, અને ત્રીજી સફેદ પથ્થરની બનાવી છે, મંદિર ટ્રસ્ટ આમાંથી કઈ મૂર્તિ પધરાવવી તેનો નિર્ણય તા. 29 જાન્યુઆરીએ કરશે.
ગર્ભગૃહમાંથી બહાર આવતાની સાથે જ સામે ગણપતિ અને હનુમાનજીની મૂર્તિઓ હશે.મંદિર ની સામે ગરુડજીની મૂર્તિ પણ સ્થાપિત થશે.રામ દરબારમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી હનુમાનજીની મૂર્તિઓ હશે.
સોમપુરાએ વધુમાં કહ્યું હતું કે, ઉત્તરભારતમાં નાગર શૈલી,દક્ષિણ ભારતમાં દ્રવિડિયન શૈલી અને મધ્ય પૂર્વ ભારતમાં પેંગોડા શૈલીથી મંદિરો બને છે. અયોધ્યા મંદિર અગાઉ જણાવ્યું તેમ નાગર શૈલીથી બન્યુ છે. સોમનાથ, અંબાજી, સ્વામિનારાયણ મંદિર આ શૈલીમાં બંધાવાયા છે. ભગવાન વિષ્ણુની આઠ ભૂજાઓ, આઠ સ્વરૂપોને ધ્યાનમાં રાખી ગર્ભગૃહને અષ્ટકોણિય બનાવાયુ છે.
કોતરણીમાં ભગવાન રામના 16 ગુણો છે તે જોવા મળશે.ગર્ભગૃહ એ રીતે બનાવવામાં આવ્યુ છે કે, ભક્તો 25 ફૂટ દૂરથી પણ દર્શન કરી શકશે. જોકે, મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા હજી એક વર્ષ નીકળી જશે. સૌરાષ્ટ્રનું પ્રખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ચંદ્રકાંત સોમપુરાના પિતાએ બનાવ્યું છે.