ઠેબચડા ગામે સ્વયંભૂ પ્રગટ થયા છે “માં આશાપુરા”
ટ્રાવેલ્સના ધંધાર્થી પ્રદ્યુમ્નસિંહને માં આશાપુરાએ નાગણી સ્વરૂપે આપ્યા હતા દર્શન: બાદમાં માતાજીનું મંદિર બંધાવ્યું અને કરવા લાગ્યા સેવા-પુજા: માતાજીના દર્શન કરવા આવે છે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ

મૂળ ઠેબચડા ગામના અને રાજકોટમાં રહીને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં પ્રદ્યુમ્નસિંહ કિશોરસિંહ જાડેજાને માં આશાપુરા પર ખૂબ શ્રદ્ધા હોય તેઓ દ્વારા 24 વર્ષ સુધી આસો નવરાત્રિમાં કચ્છ માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં તેઓ અને તેમના મિત્રો સાહિતન અને લોકો રાજકોટથી ચાલીને માતાના મઢ જતાં હતા. એક દિવસ માતાજીએ તેમને દર્શન આપ્યા અને ઠેબચડા ગામે પ્રદ્યુમ્નસિંહની વાડીમાં બેસવાનું કહેતા પ્રદ્યુમ્નસિંહે પોતાની વાડીમાં માં આશાપુરાજીનું મંદિર બંધાવ્યું. ત્યારથી જ પોતાનો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય મૂકીને આજે પ્રદ્યુમ્નસિંહ આ વિસ્તારમાં પદુબાપુ તરીકે જાણીતા બન્યા છે.

રાજકોટથી 20 કીમી દૂર ભાવનગર રોડ પર ઠેબચડા ગામે વર્ષ 2007માં માં આશાપુરા માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર વિશે કેવી રીતે બન્યું? તે અંગે મંદિરના બાપુ પદુબાપુએ કહ્યું હતું કે, હું 24 વર્ષથી કચ્છ માતાના મઢ પદયાત્રા સંઘ લઈને જતો હતો. એક દિવસે આસો નવરાત્રી દરમિયાન 5માં નોરતે કચ્છ માતાના મઢ જતાં હતા ત્યારે મારી સાથે આ સંઘમાં આવતા મિત્રના શરીરમાં માતાજીનો વાસ થયો અને મને કહ્યું કે, મારે તારી વાડીએ બેસવું છે. ત્યારબાદ ઠેબચડામાં આવેલી મારી વાડીમાં રફડામાંથી માતાજીએ નાગણી સ્વરૂપે દર્શન આપ્યા હતા. બાદમાં વાડીમાં માં આશાપુરા માતાજીની નાની દેરી બંધાવી હતી. માતાજીએ દર્શન આપ્યા બાદ મે મારો ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય મૂકીને માતાજીની સેવા પૂજા કરવાનું શરૂ કર્યું.

વર્ષ 2009માં મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને મોટું મંદિર બંધાવવામાં આવ્યું. માં આશાપુરા અહી સ્વયંભૂ પ્રગટ થયા છે. લોકો પણ આસ્થા સાથે આવે છે માતાજી સમક્ષ માથું ટેકવતા લોકોના ધાર્યા કામ થાય છે. માતાજી અહી આવતા લોકોની મનોકામના પૂર્ણ કરતાં હોવાનું લોકોનું કહેવું છે. પદુબાપુની 18 એકર જમીન છે. જેમાં 3 થી 4 એકરમાં મંદિર બનાવવામાં આવ્યું છે. અહી આશાપુરા માતાજી ઉપરાંત કાળ ભૈરવ દાદા, હનુમાનજી દાદા અને શિવજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે અહી ગૌ શાળા પણ આવેલી છે. જેમાં 15 થી 20 ગૌ વંશની સર સંભાળ લેવામાં આવે છે.

રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઠેબચડા ગામે બિરાજમાન માં આશાપુરાના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.
કોરોના પહેલા ચાલતા અન્નક્ષેત્રમાં હજારો લોકો લેતા હતા મહાપ્રસાદનો લાભ
પદુબાપુએ કહ્યું હતું કે, જ્યારથી મંદિર બન્યું ત્યારથી જ અહી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. બપોર અને સાંજે એમ બંને સમય દરરોજ હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહી મહાપ્રસાદનો લાભ લેતા હતા. પરંતુ કોરોના આવ્યા બાદ આર્થિક તંગીને કારણે હાલ અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે.
માતાના મઢ જેવુ જ છે આ મંદિરમાં બિરાજમાન આશાપુરા માતાજીનું સ્વરૂપ
ઠેબચડા ગામે વિશાળ જગ્યામાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. પહેલા નાની દેરીમાં માતાજી બિરાજમાન હતા. જેમ જેમ લોકોની આસ્થા વધતી ગઈ તેમ તેમ મંદિરનો પણ વિકાસ કરવામાં આવ્યો અને 2009માં મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. આ મંદિરની વિશેષતા એ છે કે, અહી બિરાજમાન આશાપુરા માતાજીનું સ્વરૂપ કચ્છ માતાના મઢમાં બિરાજતા માં આશાપુરા જેવુ જ છે.
મંદિરમાં માતાજીના પ્રાગટ્ય ઉત્સવ સહિત ઉજવાય છે ધાર્મિક કાર્યક્રમો
પદુબાપુને આસો નવરાત્રિના 5માં નોરતે માતાજીએ દર્શન આપ્યા હોય દર વર્ષે આસો નવરાત્રિના 5માં નોરતે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ, રામ નવમી સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.