રાજકોટમાં છે ભારતનું એવું પ્રથમ મંદિર કે જ્યાં હનુમાનજીના મસ્તિક પર ઝળહળે છે અખંડ દિવાની જ્યોત
આજી ડેમના ઉદ્યાનમાં આવેલા દાધા હનુમાનજીનો છે રસપ્રદ ઇતિહાસ: લંકા દહન સમયનું છે હનુમાનજીની મૂર્તિનું સ્વરૂપ છે: મંદિરમાં આવેલું છે દુધેશ્વર મહાદેવનું મંદિર

રાજકોટ સહિત ભારતભરમાં એવા કેટલાય મંદિરો છે કે જેની અલગ-અલગ વિશેષતા અને ઇતિહાસ છે. રાજકોટમાં પણ હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું છે કે જ્યાં હનુમાનજી દાદાના મસ્તિક પર વર્ષોથી અખંડ દિવાની જ્યોત ઝળહળે છે. આ મંદિર રાજકોટમાં આજી ડેમ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાનમાં આવેલું છે.

રાજકોટમાં આજી ડેમમા ઉદ્યાનમાં આવેલું આ મંદિર એક જંગલ જેવા વિસ્તારમાં આવેલું છે. મંદિરમાં પ્રવેશતા જ અલૌકિક વાતાવરણનો અનુભવ થાય છે. આ મંદિરની વિશેષતા એ છે કે, આખા ભારતનું એક માત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી દાદાના મસ્તિક પર દિવાની અખંડ જ્યોત ઝળહળે છે.

મંદિર વિશે જણાવતા મનોજભાઇ કિહોરાએ જણાવ્યું હતું કે, રાજાશાહી વખતનું આ મંદિર છે. એક સમયે જ્યારે બહાર ગામથી એક રાજા રાજકોટ આવ્યા હતા અને એમણે પોતાના મલ સાથે રાજકોટના મલને કુસ્તી કરવા કહ્યું હતું. તે સમયે રાજકોટના રાજાએ પોતાના સૈનિકોને મલ શોધી લાવવા કહ્યું હતું. એ સમયે જ્યારે આજી ડેમ પણ ન હતો. ત્યારે આ જગ્યાએ થોરાળા ગામ હતું. હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં મેવાડા કુટુંબનો નેશડો હતો. જ્યાં દાધા મેવાડા રહેતા હતા અને તે સમાયે તેઓ બળવાન હતા.

દાધા મેવાડાને રાજાએ મલ સાથે કુસ્તી કરવા કહ્યું. જે દાધા મેવાડાએ સ્વીકાર્યું અને મલ સાથે કુસ્તી કરી. એક જ ઘામાં બહારના મલને પરાસ્ત કર્યો અને રાજકોટનું નામ રોશન કર્યું. જેનાથી ખુશ થઈને રાજાએ તે સમયે નેશની જમીન દાધાભાઈને તાંબાના પત્ર પર લખી આપી.
આ ઘટના બાદ ચોમાસા દરમિયાન હનુમાનજીની મૂર્તિ નદીમાં તણાઈને આવી. જે મૂર્તિ દાધાભાઈને મળી. મૂર્તિ લઈને તેઓ નેશમાં આવ્યા. ત્યારે નેશમાં હનુમાનજીનું મંદિર ન હોવાથી નેશમાં જ નાની દેરી બનાવી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. આ સમયે રાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું. રાજાએ નેશમાં આવીને કહ્યું કે, હનુમાનજીની સ્થાપના દાધા મેવાડાને કારણે થઈ છે. માટે આ હનુમાનજી દાધા હનુમાન તરીકે ઓળખાશે.
આ ઉપરાંત હનુમાનજીની મૂર્તિની વાત કરવામાં આવે તો મૂર્તિનું જે સ્વરૂપ છે તે લંકા દહન સમયનું હનુમાનજીનું રૂપ છે. જ્યારે આજે હનુમાનજીના મસ્તિક ઉપર જે અખંડ દીવો છે તેની પાછળ પણ એક ઇતિહાસ છે. જે અંગે વાત કરતાં મનોજભાઇએ કહ્યું હતું કે, જ્યારે નેશમાં રહેતી દીકરી પરણીને સાસરે ગઈ હતી ત્યારે તેને સંતાન થતાં ન હતા. દીકરીએ દાધા હનુમાનજી પાસે પોતાની વ્યથા રજૂ કરી માનતા રાખી કે જો તેને સંતાનમાં દીકરો થશે સાસરેથી મંદિર સુધી માથે દીવો લઈને આવશે. દીકરીની અ માનતા પૂરી થઈ અને દીકરી માથે દીવો લઈને ચાલતી આવી હતી. જે દીવો આજે પણ અખંડ જળહળે છે. આ ઉપરાંત મંદિરના પટાંગણમાં દુધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે કે જ્યાં શ્રાવણ માસમાં રુદ્રાભિષેક પણ કરવામાં આવે છે.
કલકતાથી સોની વેપારીઓ દાધા હનુમાન મંદિરમાં કરતાં યજ્ઞ
દાધા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની જે મૂર્તિ છે તે લંકા દહન સમયની હોય અને લંકા દહન સમયે હનુમાનજીએ શનિદેવને રાવણે પકડી લીધા હોય હનુમાનજીએ શનિદેવને છોડાવ્યા હતા. માટે આ મંદિરમાં વર્ષો પહેલા લોકો સાડાસાતી ઉતારવા માટે હવન કરતાં હતા. એ સમયે ક્લકત્તાથી પણ સોની વેપારીઓ અહી આવતા હતા. જમીનમાં ૧૦ ફૂટ ઉંડો ખાડો કરીને ૧૫ દિવસથી લઈને એક મહિના સુધી હોમ-હવન કરતાં હતા.
મંદિરના મહંત ઉનાળાના આકરા તાપમાં ધૂણી ધખાવીને કરે છે તપ
આ મંદિરના મહંત રાઘવદાસજી બાપુ હાલ મંદિરમાં સેવા-પુજા કરે છે. તેઓ ખાખી સાધુઓની પરંપરા મુજબ દર વર્ષે ઉનાળાના ૪ મહિના દરરોજ આકરા તાપમાં પણ ધૂણી ધખાવીને તપ-સાધના કરે છે. વસંત પંચમીથી આ તપ શરૂ થાય છે અને ભીમ અગિયારસ સુધી ચાલે છે. દરરોજ બપોરે ૧ વાગ્યાથી લઈને ૨:૩૦ વાગ્યા સુધી અ તપ કરવામાં આવે છે. જેમાં મહંતની ફરતે છાણાં તાપવામાં આવે છે અને મહંત વચ્ચે બેસીને તપ કરે છે.
દર મહિને માનસિક વિકલાંગ બાળકોને કરાવાય છે ભોજન
નાની દેરી સ્વરૂપે રહેલા મંદિરનો સમય જતાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આજે દાધા હનુમાનજી મંદિર ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે. દાધા હનુમાનજી ગ્રુપ પણ બન્યું છે જેમાં ૨૦ થી ૨૫ જેટલા સભ્ય છે. જેમાં પ્રવીણભાઈ પટેલ, મનોજભાઈ બોરિચા, નિલેશભાઈ ખૂંટ સહિતના સેવકગણો દર મહિને ત્રંબામાં આવેલા કસ્તુરબા આશ્રમ ખાતે રહેતા તેમજ એકરંગ આશ્રમમાં રહેતા માનસિક વિકલાંગ બાળકોને નિ:શુલ્ક ભોજન કરાવે છે.
સાધુ-સંતો માટે ભંડારા અને દર શનિવારે થાય છે સુંદરકાંડના પાઠ દાધા હનુમાનજી મંદિરની વિશાળ જગ્યામાં વર્ષોથી અવિરત સાધુ-સંતોના ભંડારા પણ ચાલે છે. આ મંદિરમાં અવાર-નવાર મોટી સંખ્યામાં સાધુ સંતો આવતા હોય છે. તેમના માટે ભોજનની પણ અહી વ્યવસ્થા છે ઉપરાંત તેમના રહેવા માટે સંત કુટિયા પણ બનાવવામાં આવી છે. જ્યારે જે લોકો અહી માનતા રાખે છે અને તે પૂરી થતાં માનતા પૂરી કરવા માટે મણીંદો ધરાવે છે. ઉપરાંત તાવો પણ છે. તેમના માટે મંદિરમાં જ વાસણ સહિતની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે.