પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા મુર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી : જગદગુરુ રામભદ્રાચાર્ય
પ્રાણ-પ્રતિષ્ઠાને શિખરના નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી
નરેન્દ્ર મોદી સંયમી વ્યક્તિ છે અને નોન-વેજ ખાતા નથી તેથી યજમાન તરીકે યોગ્ય છે
અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે જ્યાં સુધી મંદિર પૂરું ના બંધાય ત્યાં સુધી મંદિરમાં મૂર્તિની સ્થાપના ના કરી શકાય તેવી માન્યતા અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે રામ લલ્લાના અભિષેક માટે મંદિર પૂર્ણ થાય તે જરૂરી નથી. તેમણે કહ્યું કે શિખરબદ્ધ મંદિર તૈયાર નથી થયું એમ કહીને અભિષેક સમારોહનો વિરોધ કરવો એ ખોટી બાબત છે. વિરોધ કરનારા મૂર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી. ગર્ભગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં રામલલાની સ્થાપના કરવાની છે અને આ એક ભાગ બની ગયો છે. જ્યારે સીતા અને રામ બીજા માળે શાહી પોશાકમાં બેસશે ત્યારે એક શિખર રચાશે. પ્રાણ-પ્રતિષ્ઠાને શિખરના નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી.
આ ઉપરાંત પ્રાણ-પ્રતિષ્ઠા કોણ કરી શકે અને તેમાં યજમાન કોણ હોઈ શકે? જેવા વિવાદો પણ ઉદભવ્યા હતા. જે બાબતે તેમણે જણાવ્યું હતું કે યજમાન તે હોઈ શકે છે જે સદ્ગુણી હોય, જેનો આહાર અને વર્તન સંયમિત હોય. આવી સ્થિતિમાં પીએમ મોદીજીની પસંદગી કરવામાં આવી છે. તે એકદમ યોગ્ય છે. તેઓ સંયમી વ્યક્તિ છે અને વડા પ્રધાન હોવા છતાં તેઓ નોન-વેજ ખાતા નથી. તેમને અભિષેક કરવા માટે અધિકૃત કરવામાં કંઈ ખોટું નથી.
22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં આયોજિત ભવ્ય સમારોહમાં શંકરાચાર્ય ન આવવા અંગે જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે આ તેમનો અંગત મામલો છે. તેમના ન આવવામાં કોઈ બીજા ને નુકસાન નથી. હું રામાનંદાચાર્ય છું અને હું આવું છું. રામાનંદાચાર્ય પણ શંકરાચાર્ય સમાન છે.
રામભદ્રાચાર્યના જણાવ્યા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા એ મૂર્તિમાં વૈદિક મંત્રો દ્વારા પ્રભુમાં જગાવાતી ચેતના છે. રામ લલ્લાની 5 વર્ષની બાળ મૂર્તિને મંદિરના ગર્ભગૃહમાં શ્થાપિત કરવામાં આવશે.