આ જિન શાસન કેવું છે ?
શ્રી નેમિનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘમાં બિરાજતા પૂ.તપસ્વી રત્ના, પ્રવચન પ્રભાવિકા બેન સ્વામી બા.બ્ર.સ્મિતાબાઈ મહાસતીજીનું વ્યાખ્યાન-દિવસ ત્રીજો
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે
ગોંડલ સંપ્રદાયના બા.બ્ર.પ.પૂ.જ્યોતિબાઈ સ્વામીના સુશિષ્યા બા.બ્ર.પ.પૂ.સ્મિતાબાઈ સ્વામીએ ધર્મ-ધ્યાન કરીને પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો. અદ્ભુત, અપૂર્વ, અલૌકિક એવું આ જિન શાસન છે. આત્માને પરમાત્મા બનાવનારું જિન શાસન છે. આત્માને રાગની ગ્રંથિમાંથી મુક્ત બનાવનારું, ચાર સંજ્ઞાની ગુલામીમાંથી મુક્ત બનાવનારું, આત્માને દ્વેષના દાવાનળમાંથી મુક્ત બનાવનારુ, અહંકારના તમામને બચાવનારું, માયામાંથી આત્માને બચાવનારું, લોભ-ક્રોધના કટુ ફળોમાંથી આત્મને ઉગારનારું, કેવલ જ્ઞાન અને કેવલ દર્શન આપનારું જિનશાસન. માથા પર અંગારા મૂકાતા હોય એ વખતે આત્માનું દર્શન કરાવનારું જિન શાસન. વૈરાગ્યના માર્ગે લઈ જતું આ જિનશાસન. ગરવા ગિરગારની ગોદમાં આત્મ સાધના જગાડનારું આ જિનશાસન. રાગની ગ્રંથિમાંથી ઉગારનારું આ જિનશાસન. રાગ-મોહમાંથી સંયમના પંથે લઈ જનારું જિન શાસન. રોજના સાત જીવોની હત્યા કરનારા, અર્જુનમાળી જ્યારે જિનશાસનને પામે ત્યારે માત્ર છ મહિનામાં જ પાપો તોડીને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન અપાવે તેવું જિન શાસન. પરમ વિતરાગ દશા અપાવતું જિન શાસન. રોજની નવાણું દેવતાઈ પેટીઓનો ત્યાગ કરી વૈરાગ્યના માર્ગે આવી ધગધગતી શીલા પર અનશન કરાવનારું આ જિનશાસન.
અંતરની વાસનાના તોફાનોને શમાવીને વિરાગ દશા અપાવનારું આ જિન શાસન. રાગની ગ્રંથિમાં સપડાયેલા મહામાતા મારૂદેવાને હાથીની હોદા પર સોનાની અંબાડીમાં ઋષભપદેવ ભગવાનનાં દર્શન કરાવતાં કરાવતાં જ અન્યત્વ અને એકત્વ ભાવના સિદ્ધ કરીને સિદ્ધત્વ અપાવતું જિનશાસન. અરીસા ભવનમાં પોતાનું મુખ જોઈને રાગ અને મોહના આ ક્ષેત્રમાંથી કેવલ જ્ઞાન અપાવનારું આ જિન શાસન. એકાંતર આત્માના લક્ષે નવાણું સંતાનોને દીક્ષાના પંથે લઈ જનારું આ જિન શાસન. અહંકારના હાથી પર બેઠેલા બાહુબલીને નમ્રતાના પાઠથી કેવલજ્ઞાન અપાવનારું જિનશાસન. બ્રાહ્મી અને સુંદરીની ભેટ આપનારું આ જિનશાસન. ચારિત્રના માર્ગે લઈ જનારું આ જિનશાસન. સંસારનો મોહ છોડાવીને સમ્યક દર્શન આપનારું આ જિનશાસન. વૈરાગ્યના વધામણા કરાવનારું, દેશ વિરતી અપાવનારું આ જિનશાસન.
સાધુત્વના સુખોને અપાવનારું, સર્વજ્ઞતાની ભેટ અપાવનારું આ જિનશાસન. સિદ્ધત્વના અનુપમ સુખોને અપાવનારું આ જિનશાસન. સર્વશ્રેષ્ઠ જિન શાસન મેળવનારા આપણે ભાગ્યશાળી છીએ કે આજના દિવસની ઓળખ મળી, જિન શાસનથી જતનાના ધર્મો જાણવા મળ્યા. જિનશાસન મળ્યું તો ખબર પડી કે દાનધર્મ કોને કહેવાય ? સમાજ અને સંઘની ઓળખ મળી. શાસનની અને પંચ મહાવ્રતધારી સાધુ કોને કહેવાય તેની ઓળખ જિનશાસને આપી.
જિન શાસન એ તપના માર્ગે જોડવાના ભાવ થયા, નવ તત્ત્વની જાણ થઈ, દેહ અને આત્માની ભિન્નતા શું કહેવાય એ ઓળખ મળી. પ્રવચન શ્રેણીમાં જોડાવાના ભાવ થયા. જિન શાસનને કારણે ક્રોધના પરિણામ ભયંકર છે એનો ખ્યાલ આવ્યો. કર્મના ઉદય, બંધન અને એના ક્ષયની ઓળખ મળી. મારા-તારાના ભેદની ખબર પડી. શ્રાવક જીવનની બલિહારી કેવી છે એ ખબર પડી. આ જિન શાસન મળ્યું એટલે સમ્યક્ દર્શન પ્રાપ્ત કરવાના માર્ગ મળ્યા છે. શું નથી આપ્યું આ જિન શાસને ? આત્મ સાધનાએ આપણા અંતર આત્માને કેવો જગાડ્યો છે ?
અંતર આત્મામાં ડોકિયું કરવાનો આ સમય છે. આ પર્વાધિરાજના બે દિવસોની આરાધનામાં આપણા જીવનમાં શું ફેરફાર થયા છે એ અવલોકન કરવાની જરૂર છે. આત્માએ ધ્યેયને નક્કી કરવાનું છે. આ આરાધના-તપ-ત્યાગ વૈરાગ્ય શા માટે કરીએ છીએ. આ તમામ ધર્મ કરણી શું લક્ષ્ય મેળવવા માટે કરીએ છીએ ? આત્માની શુદ્ધિના મંગલ માર્ગો પરમાત્માએ બતાવ્યા છે.
Check Your Goal
જે પણ કર્મ કરો છો તે શેના માટે કરો છો ? સામાયિક, પ્રતિક્રમણ, દાન, સાધુવંદના, તપ, ત્યાગ, વૈરાગ્ય, શીલ અને આ આત્માની આરાધના શેના માટે કરીએ છીએ ? આપણી ધ્યેયપ્રાપ્તિ શું છે ? આત્માના અનંત સુખોને પામવા માટે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીને મોક્ષ મેળવવાનું લક્ષ્ય રાખવાનું છે. તમામ કર્મો પરથી મુક્તિ મેળવી મોક્ષની પ્રાપ્તિ કરવી છે તે લક્ષ્ય હોવું જોઈએ. અંતરમાં થનગનાટ લાવે, અંતરની આળસને તોડાવે, પ્રમાદના ભાવને તોડાવે, ભક્તિ કરાવે, અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા કરાવે, જાપ કરાવે, મોક્ષ પ્રાપ્ત કરવા તમામ સાધના કરાવે તેવી આત્માની આરાધના કરવાની છે. મોક્ષનું લક્ષ્ય એટલે આઠેય કર્મો પર પૂર્ણવિરામ. અંતરની ઈચ્છા પર પૂર્ણવિરામ. મોક્ષ એટલે સંબંધોના બંધન, સ્વજનોના રાગમાંથી મુક્તિ, સંપત્તિના રાગમાંથી મુક્તિ. અણહારક દશાની પ્રાપ્તિ એટલે મોક્ષ. ઋષભદેવ સ્વામી તમે જેવી રીતે સિદ્ધ થયા છો તેવી સિદ્ધિ મારે પણ જોઈએ છે. જેવો સિદ્ધક્ષેત્ર પરમાત્મા છે એવો જ મારા આત્માને બનાવવાનો છે. મારે પરમાત્માનું વરસાદ પ્રાપ્ત કરવું છે. મહાવીર સ્વામી જે સ્થાનમાં છે તે સ્થાન મારે જોઈએ છે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તમે સિદ્ધના અનંત સુખ પ્રાપ્ત કર્યા છે તેવા સુખ મારે પણ જોઈએ છે. મોક્ષના લક્ષ્યની પ્રાપ્તિ માટે જિન શાસનની મહત્તા સમજાવી હતી.
એ બધા કેદી છૂટી ગયા, આપણે રહી ગયા !
એક વાર એક ગામમાં રાષ્ટ્રપતિ આવ્યા. તેમના માટેની બધી તૈયારી અને ઉદ્ઘાટનનો સમય, સુરક્ષાની તૈયારી થઈ ગઈ હતી. ઉદ્ઘાટન પછી એક કલાક જેવા સમયમાં જેલ જોવા જવાનું નક્કી થયું. તમામ કેદીઓની મનોવ્યથા-પ્રશ્નો સાંભળવાનું નક્કી થયું. દરેક બેરેક વતી એક કેદીએ બોલવાનું હતું. ચાર કેદીને વાત કરવાની બરોબર તૈયાર થઈ ગઈ. એક કેદીએ વિનંતી કરી કે લાલ ઘઉંની રોટલી નથી ફાવતી ત્યારે જવાબમાં સારા ઘઉંની વ્યવસ્થા થઈ ગઈ. બીજી બેરેકના કેદીના પ્રતિનિધિએ કહ્યું કે અમે રાજકોટવાળા છીએ, અમને સ્નાન માટેનો સાબુ સારો જોઈએ છે, સાબુની પણ વ્યવસ્થા કરી અપાઈ. ત્રીજી બેરેકના કેદીનો પ્રશ્ન હતો કે મચ્છરના ઉપદ્રવથી મુક્તિ જોઈએ છે. તેઓ માટે મચ્છરદાનીની વ્યવસ્થા થઈ. ચોથી બેરેકના કેદીએ રાષ્ટ્રપતિને કહ્યું કે અમને જેલ જ નથી ફાવતી ત્યારે રાષ્ટ્રપતિએ બધા કેદીને છોડી દીધા. એ બધા કેદી છૂટી ગયાને આપણે રહી ગયા. દીક્ષાની આજ્ઞા આપવાવાળા અહીં સંસારના બંધનમાં રહી ગયા. છેલ્લી બેરેકના કેદીની જેમ સંસારના બંધનમાંથી મુક્તિના માર્ગે ક્યારે જવું છે ? તમામ બંધનોને છોડીને સાધનામાં જોડાઈ જાવ. પર્વાધિરાજ આવી ગયા છે. ધ્યેયને ચેક કરીને સાધનાને તમામ સિદ્ધિના સુખ આપે તેવી મંગલકામના…