ખેડૂતોના પાકની રક્ષા કરતાં એટલે કહેવાયા “ખેડાના હનુમાન”
કુવાડવા રોડ પર આવેલું છે લાલ હનુમાનજીનું 150 વર્ષ જૂનું મંદિર
મંદિરના વિશાળ પટાંગણમાં ચાલે છે માનસિક વિકલાંગ બાળકોનો સેવાયજ્ઞ: નર્મદાથી શિવલિંગ લાવી કરાઇ હતી “શ્યામનાથ મહાદેવ”ની સ્થાપના
રાજકોટ નજીક કુવાડવા રોડ પર હનુમાનજી દાદાનું એક એવું મંદિર આવેલું છે જે અંદાજે 150 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિરની સ્થાપના જે-તે સમયે સુરેન્દ્રનગરના સ્ટેટ અને આસપાસના ખેડૂતોએ કરી હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનું નામ છે “લાલ હનુમાનજી મંદિર”. જો કે મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદા “ખેડાના હનુમાન” તરીકે પણ આ વિસ્તારમાં પ્રસિદ્ધ છે. હનુમાનજીનું આ નામ કઈ રીતે પડ્યું તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ રહેલો છે.
રાજકોટથી અંદાજે 10 કિમી દૂર જૂના કુવાડવા પોલીસ સ્ટેશન સામે, નવાગામ-આણંદપર, કુવાડવા રોડ પર લાલ હનુમાનજીનું મંદિર આવેલું છે. મંદિરનું નામ લાલ હનુમાન છે પરંતુ અહી સ્થાપિત હનુમાનજીને “ખેડાના હનુમાન” તરીકે ઓળખવામાં આવે છે. આ અંગે મંદિરના પૂજારી અનમોલ દાસજીએ કહ્યું હતું કે, હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં વર્ષો પહેલા ખેતરો આવેલા હતા. ખેતરમાં ખેતી કામ કરતાં ખેડૂતોએ પોતાના પાકના રક્ષણ માટે અહી હનુમાનજીની સ્થાપના કરી હતી. જ્યારે તે સમયે ખેડૂતો પોતાના ખેતરમાં થતી ઉપજ (પાક)નો દશમો ભાગ હનુમાનજીને ધરાવતા હતા અને તે સમયે ચાલતા અન્નક્ષેત્રમાં ભાગ આપતા હતા ત્યારથી જ હનુમાનજીને “ખેડાના હનુમાન” કહેવામાં આવે છે.
આ મંદિર અંદાજે 3 હજાર વાર જગ્યામાં આવેલું છે. મંદિર પ્રવેશતા જ શાંતિનો અનુભવ થાય છે. જ્યારે મંદિરના વિશાળ પટાંગણમાં ઘટાદાર લીમડા, પીપળા અને વડના વૃક્ષો આવેલા છે. અહી હનુમાનજી ઉપરાંત મહાદેવજીનું પણ મંદિર આવેલું છે. જેનું નામ છે શ્યામનાથ મહાદેવ. મહાદેવજીના મંદિરમાં પીતાંબરદાસ નામના વૈરાગી સાધુએ નર્મદાથી શિવલિંગ લાવી અહી શિવલિંગની સ્થાપના કરી હતી. જ્યારે મંદિરના પટાંગણમાં રામજી મંદિર પણ આવેલું છે.
આ મંદિર વિશાળ જગ્યામાં આવેલું છે હોય વર્ષો પહેલા જ્યારે અહીથી સાધુ-સંતો પસાર થતાં ત્યારે તેઓ આજ મંદિરમાં વિશ્રામ કરતાં અને ભોજન પણ કરતાં. માટે આજે પણ અહી વર્ષોથી નિ:શુલ્ક અન્નક્ષેત્ર ચાલુ છે. જ્યારે અખાડા, જમાતના સાધુ-સંતોને રહેવા માટે સંત નિવાસ પણ છે. મહત્વનું છે કે, હાલ આ જગ્યા દિલ્હીના હરિહર પરિવાર ઉદાસીન પંચાયતી બડા અખાડાની કહેવામાં આવે છે. આ મંદિરના સંત નિવાસમાં અવાર-નવાર મોટી સંખ્યામાં સાધુ-સંતો પધરામણી કરતાં હોય છે.
આ ઉપરાંત મંદિરની પાછળના ભાગમાં માનસિક વિકલાંગ બાળકોનો આશ્રમ પણ આવેલો જ્યાં પસુબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક વિકલાંગ બાળકોની સાર-સંભાળ રાખવામાં આવે છે. આજે 30 જેટલા માનસિક વિકલાંગ બાળકો આ આશ્રમમાં રહે છે. જ્યારે આ ટ્રસ્ટનું સંચાલન વિજયભાઇ કરી રહ્યા હોવાનું પૂજારીએ જણાવ્યું હતું.
ખેડૂતો પોતાનો પાક પ્રથમ હનુમાનજીને ધરાવવા આવે છે
વર્ષો પહેલા ખેડૂતોએ પાકના રક્ષણ માટે અહી હનુમાનજી દાદાનું મંદિર બંધાવ્યું હતું ત્યારથી ખેડૂતો પોતાના ખેતરમાં થતી ઉપજ (પાક)માંથી થોડોક ભાગ હનુમાનજી દાદાને ધરાવતા હતા. જે પરંપરા આજે પણ ચાલુ રહી છે અને આજના સમયમાં પણ ખેડૂતો પોતાની ઉપજ(પાક)નો 10મો ભાગ હનુમાનજી દાદાને ધરાવવા આવે છે.
માનતા પૂર્ણ થતાં ભક્તો હનુમાનજીને ધરાવે છે લાડવા
મંદિરની આસપાસના ગામોના લોકોને હનુમાનજી દાદા પર ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેના કારણે અહી મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજી દાદાના દર્શનાર્થે આવતા હોય છે. ઉપરાંત માનતા પણ રાખતા હોય છે. જે શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ થાય તેઓ મંદિરે આવીને હનુમાનજી દાદાને ચોખ્ખા ઘીના લાડુનો પ્રસાદ ધરાવે છે.
શિવજીના મંદિરે ઉજવાય છે શ્રાવણ માસ
લાલ હનુમાનજી મંદિર આ વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત હોય અહી તમામ તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. જેમાં આસપાસના ગામના લોકો પણ ભાગ લે છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન અહી ભક્તોની ખૂબ જ ભીડ રહેતી હોય છે. જ્યારે શ્રાવણ માસ દરમિયાન આવતા વ્રતની પણ દીકરીઓ અને મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે.