150 વર્ષથી પણ વધારે જૂનું છે ‘હનુમાન મઢી’ મંદિર
દેશ ભ્રમણ કરતાં રામ પ્યારે દાસજી બાપુએ પોતાની મઢીમાં બંધાવ્યું હતું હનુમાનજી દાદાનું મંદિર: રૈયા ગામનો વિસામો કહેવાતી હતી આ જગ્યા: શહેરના લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મંદિરમાં હનુમાન દાદાના દર્શન કરવા લાગે છે ભક્તોની લાઇન

રાજકોટમાં આમ્રપાલીથી રૈયા ચોકડી તરફ જતાં રસ્તા પર આવતું હનુમાન મઢી મંદિર 150 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. ખાખી સાધુ રામ પ્યારે દાસજી જ્યારે ભારત ભ્રમણ કરતાં કરતાં રાજકોટ આવ્યા હતા ત્યારે હાલની હનુમાન મઢીથી જાણીતી જગ્યા પર પોતાની મઢી બનાવી હતી અને હનુમાનજી દાદાનું નાનું મંદિર પણ બનાવ્યું હતું. ત્યારેથી જ આ મંદિર હનુમાન મઢી તરીકે શહેરભરમાં જાણીતું બન્યું હતું. તો વળી આ ચોક પણ હનુમાન મઢી ચોક તરીકે જાણીતો છે.
હનુમાન મઢી મંદિર વિશે માહિતી આપતા રામ ગોપાલદાસજી બાપુએ કહ્યું હતું કે, હનુમાન મઢી મંદિરની સ્થાપના 150 વર્ષથી પણ વધારે વર્ષ પહેલા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. વર્ષો પહેલા જ્યારે રાજકોટ વિકાસ અત્યારના સમય જેટલો થયો નહતો. તે સમયે રાજકોટથી રૈયા ગામ જવા માટે ગાડા માર્ગ હતો. આમ્રપાલીથી રૈયા ગામ જતાં વચ્ચે હાલ જ્યાં હનુમાન મઢી મંદિર છે ત્યાં રામ પ્યારે દાસજીની મઢી હતી. તેઓ દેશ ભ્રમણ કરતાં હતા તે સમયે ગામડાઓમાં સીમાડાઓ હતા. વર્ષો પહેલા અહી જંગલ જેવો વિસ્તાર હતો અને આ જગ્યા રામ પ્યારે દાસજી બાપુને પસંદ આવી અને તેઓ અહી જ રોકાય ગયા હતા. બાદમાં બાપુએ અહી હનુમાનજીની નાની દેરી બંધાવી હતી.
લોકો જ્યારે અહીથી પસાર થતાં ત્યારે વિસામો ખાવા અહી બેસતા હતા. જંગલ જેવા વિસ્તારમાં તે સમયે લોકો રૈયા ગામનો વિસામો તરીકે આ જગ્યા ઓળખાતી હતી. રામ પ્યારે દાસજી બાપુ અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદી દિગંબર અની અખાડા સાથે જોડાયેલા હતા. તેઓ મઢીમાં ધૂણી ધખાવીને તપ કરતાં હતા. જ્યારે દેશભરમાં ભ્રમણ કરતાં સાધુઓની જમાત અહી રોકાતી હતી. ધીમે ધીમે આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું. રામ પ્યારે દાસજી બાપુ બાદ રામ સ્વરૂપ દાસજી બાપુ મંદિરમાં સેવા પૂજા કરતાં હતા. બંને બાપુની સમાધિ પણ મંદિરના સામેના ભાગમાં આવેલી છે.
હનુમાન મઢી મંદિરમાં હાલ રામ ગોપાલદાસજી બાપુ અને કશ્યપભાઈ અગ્રાવત સેવા પૂજા કરી રહ્યા છે. આજેથી અંદાજે 10 વર્ષ પહેલા હનુમાન મઢી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. તે સમયે ભવ્ય મહોત્સવ જેવુ આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. મંદિરમાં હનુમાનજીની નવી મૂર્તિની ધામધૂમ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
હરણના નામ મંગલ પરથી પડ્યું મંગળેશ્વર મહાદેવ નામ
હનુમાન મઢી મંદિરની બાજુમાં મંગળેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. જે અંદાજે 80 વર્ષ પહેલા બંધાવવામાં આવ્યું હતું. જે આજે પણ વર્ષો જૂનું હોય તેવું લાગે છે. આજે પણ એજ સ્થિતિમાં છે. રામ ગોપાલદાસજી બાપુએ આ મંદિર વિશે જણાવ્યું હતું કે, રામ પ્યારે દાસજી બાપુનું એક પાળીતુ હરણ હતું. જેનું નામ મંગલ હતું. જેનું મૃત્યુ થતાં હનુમાન મઢી મંદિર સામે દફનવિધી કરવામાં આવી હતી અને તેના પર શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. તેથી જ આ મંદિરનું નામ મંગલેશ્વર મહાદેવ મંદિર નામ પડ્યું હતું.
દર શનિવારે થાય છે સુંદરકાંડ અને હનુમાન ચલીસાના પાઠ
હનુમાન મઢી મંદિર વર્ષો જૂનું છે અને લોકોમાં ખૂબ જ જાણીતું છે. લોકોને પણ હનુમાન મઢીના હનુમાનજી દાદા પર ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે. માટે અહી દર શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ રહે છે. મંદિરમાં દર શનિવારે અને મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. ઉપરાંત રામધૂન પણ કરવામાં આવે છે.