પીડબ્લ્યુડીના કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપી બનાવ્યું હતું ખોડીયાર માતાજીનું મંદિર
માતાજીએ સ્વપ્નમાં આવીને મંદિર બનાવવા કહ્યું હતું
સાંઢિયા પુલ નીચે ભોમેશ્વરમાં આવેલુ છે ખોડીયાર માતાજીનું ૫૦ વર્ષ જૂનું મંદિર: દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે માતાજીના માંડવાનું થાય છે આયોજન
રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં ખોડીયાર માતાજીનું અંદાજે ૫૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. જેનો રોચક ઇતિહાસ આજે અમે તમને જણાવવાના છીએ. ભોમેશ્વર વિસ્તારમાં રહેતા મોહનભાઇને માતાજી સપનામાં આવ્યા હતા અને માતાજીએ મોહનભાઇને અહી મંદિર બનાવવા કહ્યું હતું. અહી પ્રથમ નાની દેરી સ્વરૂપે મંદિર બનાવવામાં આવ્યું હતું અને બાદમાં મંદિરનો જીર્ણોધ્ધાર કરી શિખરબધ્ધ મંદિર બનાવવામાં આવ્યું છે.
રાજકોટમાં જામનગર રોડ પર સાંઢિયા પુલ નીચે ભોમેશ્વર વિસ્તારમાં ખોડીયાર માતાજીનું ૫૦ વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે. આ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા કાળુભાઇ વૈષ્ણવે મંદિરના ઇતિહાસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમના પિતા મોહનભાઇ વૈષ્ણવ પીડબ્લ્યુડીમાં નોકરી કરતાં હતા. એકવાર એમને ખોડીયાર માતાજી સપનામાં આવ્યા હતા અને કહ્યું હતું કે, તુ મારુ અહી મંદિર બનાવ.
મોહનભાઇએ માતાજીના કહેવા પ્રમાણે માતાજીનું મંદિર બંધાવ્યું. તે સમયે માત્ર નાની દેરી સ્વરૂપે અહી મંદિર હતું. લોકો અહી ખોડીયાર માતાજીના દર્શન કરવા આવતા હતા અને માનતા રાખતા હતા. લોકોની માનતા પૂર્ણ થતી હોય ધીમે-ધીમે લોકોમાં આ મંદિર ખૂબ જ જાણીતું બન્યું. ૧૦ વર્ષ બાદ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો. તે સમયે આ વિસ્તારના લોકો અને દાતાઓએ ફાળો એકત્ર કર્યો. મંદિરના જીર્ણોધ્ધાર સમયે રાંદલ માતાજી અને ચામુંડા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
મોહનભાઇ પીડબ્લ્યુડીમાં નોકરી કરતાં હતા પરંતુ માતાજીનું મંદિર બન્યા બાદ એમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પોતાનું જીવન માતાજીની સેવા-પૂજામાં સમર્પિત કરી દીધું હતું. દર વર્ષે ચૈત્ર સુદ બીજના દિવસે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવચંડી યજ્ઞ અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મહાપ્રસાદમાં અંદાજે ૧૦ હજારથી વધુ લોકો માટે પ્રસાદ બનાવવામાં આવે છે.
આ મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની માનતા પૂરી થતી હોવાનું જાણવા મળે છે. જેના કારણે આજે ભોમેશ્વર વિસ્તારમાં આવેલું આ ખોડિયાર માતાજીનું મંદિર રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ જાણીતું છે. બહારગામથી પણ લોકો અહી દર્શન કરવા માટે આવે આવે છે. ઉપરાંત ભોમેશ્વરમાં ખોડિયાર માતાજીના મંદિરે માંડવો પૂર્ણ થયા બાદ માટેલ ગામ પણ જમાડવામાં આવે છે.
જે બીડી પીવે તે માતાજીની મૂર્તિ લાવશે તેવી શરત રખાઇ
હાલ જે જગ્યાએ માતાજીનું મંદિર છે ત્યાં રોજ રાત્રે મોહનભાઇ અને તેમના મિત્રો જમીને બેસવા આવતા હતા. જ્યારે મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે મૂર્તિ કોણ લાવશે તેની ચર્ચા કરવામાં આવી હતી. કેટલાક મિત્રો કે જેઓ બીડી પિતા હતા એમણે શરત રાખી કે હવેથી આપણે બીડી મૂકી દઈએ અને જે બીડી પીશે તે મૂર્તિ લાવશે. અંતે જેમણે બીડી પીધી તેઓ માતાજીની મૂર્તિ લાવ્યા. આજે પણ આ મંદિરમાં મિત્રોનું ગ્રુપ લોકોને વ્યસન મૂકવા માટે પ્રેરણા આપે છે.
છેલ્લા ૫૪ વર્ષથી થાય છે ગરબી, મુસ્લિમ દીકરીઓ પણ લે છે ભાગ
ભોમેશ્વર વિસ્તારમાં વર્ષ ૧૯૭૫ આસપાસ ખોડીયાર માતાજીનું મંદિર બન્યું છે. તેના એક વર્ષ બાદથી જ અહી નાની-નાની દીકરીઓ માટે ગરબી થાય છે. આ વિસ્તારમાં રહેતા લોકો જ ગરબીનું આયોજન કરે છે. જેમાં હિન્દુ-મુસ્લિમ દીકરીઓ ભાગ લે છે. એક પણ દીકરી પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી. છેલ્લા ૪૯ વર્ષથી થતી આ ગરબીમાં અંદાજે ૧૦ થી ૧૫ જેટલી મુસ્લિમ દીકરીઓ પણ ગરબીમાં ભાગ લે છે.