શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી ચાલે છે નિરંતર અન્નક્ષેત્ર
એરપોર્ટ રોડ પર આવેલા મંદિરમાં નર્મદાથી લવાયું હતું શિવલિંગ: ચૈતન્ય હનુમાનજીના નાના મંદિર બાદ બનેલું શિવ મંદિર આજે લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું
રાજકોટમાં એક એવું શિવ મંદિર છે કે જ્યાં 21 વર્ષથી નિરંતર અન્નક્ષેત્ર ચાલે છે. જે કોઈ પણ ફંડ કે ફાળો ઉઘરાવ્યા વગર. 70 વર્ષ પહેલા બનેલા આ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં નર્મદાથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું અને તેની ધામધૂમ પૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે આ મંદિર સમગ્ર વિસ્તારના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
રાજકોટના એરપોર્ટ રોડ ફાટકથી રૈયા રોડ તરફ જવાના રસ્તે જૈન બોર્ડિંગ પાસે શ્રી મહાકાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેનું નિર્માણ અંદાજે આજથી 70 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. આ મંદિરના સંચાલન માટે શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવા સમિતિ બનાવવામાં આવી છે. જેનું સંચાલન ભૂષણભાઈ બુંદેલા દ્વારા કરવામાં આવે છે. વર્ષો જૂના મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપતા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવા સમિતિના કાર્યકર ઇશિત ટંકારીયાએ જણાવ્યું હતું કે, આજથી 70 વર્ષ પહેલા આ મંદિરની સમિતિના કાર્યકર એવા રમણભાઈના ગુરુ મહારાજ કે જેઓ હિમાલયના પહાડોમાં રહેતા હતા તેઓ અહી આવ્યા હતા અને એમણે રમણભાઈને કહ્યું હતું કે, અહી મંદિર બનાવવાની ઈચ્છા છે. તમે મૂર્તિ લઈ આવો. ત્યારે તેઓ નર્મદાથી શિવલિંગ લાવ્યા અને ગુરુ મહારાજ દ્વારા શ્રી મહાકાલેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.
શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર બન્યું તે પહેલા અહી ચૈતન્ય હનુમાનજીનું એક નાનું મંદિર હતું. તેમની કૃપાથી જ અહી વિશાળ મહાદેવનું મંદિર બન્યું છે. મહત્વનું છે કે, મંદિરની સ્થાપના અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા સમયે અહી ધાર્મિક કાર્યક્રમોનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભંડારો-મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં શિવજી ઉપરાંત કાળ ભૈરવ દાદા, અન્નપૂર્ણા માતાજી, અંબા માતાજી, ખોડિયાર માતાજી, શીતળા માતાજીનું પણ મંદિર આવેલું છે. જ્યારે અહી છેલ્લા 21 વર્ષથી અખંડ ધૂણો પણ આવેલો છે. મંદિરમાં 3 જેટલા સાધુ આવ્યા હતા અને તેઓ અહી ધૂણો ધખાવી તપ કરતાં હતા.
શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં વર્ષ 2004, 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણના દિવસથી અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી હતી. જે આજે પણ ચાલુ છે. દરરોજ સાંજે મંદિરમાં જ 500 થી 700 લોકો માટે ખિચડી, શાક, રોટલા, રોટલીનો પ્રસાદ બનાવવામાં આવે છે. જ્યારે કેન્સર અને બીટી હોસ્પિટલમાં દર્દી અને એમના સગાઓ માટે ટિફિનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જે લોકો ફોન કરે તેને ટિફિન પહોંચાડવામાં આવે છે. જ્યારે દર વર્ષે ઉતરાયણ પર ભંડારો-મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. મહત્વનું છે કે, આ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી અવિરત રીતે અન્નક્ષેત્ર આજે પણ ચાલુ છે. તો વળી આરતી સમયે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે તે સમયે ગાયોને નિણ પણ નાખવામાં આવે છે. હાલ આ મંદિરમાં જયેશભાઈ મંદિરની સેવા-પૂજા કરે છે.
મહત્વનું છે કે, મંદિરમાં કોઈપણ પ્રકારનો ફાળો કે ફંડ લેવામાં આવતું નથી. માત્ર દાતાઓ સામેથી આવીને દાન આપી જાય છે. તો વળી આસપાસના વિસ્તારોમાંથી આવતા દર્શન કરવા આવતા લોકો કાચું રાશન મંદિરમાં આપી જાય છે. શ્રી મહાકાલેશ્વર મહાદેવ સેવ સમિતિમાં 30 જેટલા સભ્ય છે. જેઓ રામનવમી, શિવરાત્રી જેવા તમામ ધાર્મિક તહેવારો અને ઉત્સવોનું ધામધૂમ પૂર્વક આયોજન કરી ઉજવણી કરે છે.
દર શ્રાવણ માસના સોમવારે કરાય છે વિશેષ શૃંગાર
આજે શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. દરરોજ અહી સવારે ભગવાન ભોળાનાથને રીઝવવા ભક્તોની ભારે ભીડ રહે છે. જ્યારે આ મંદિરમાં દર શ્રાવણ માસ નિમિત્તે શિવજીને જુદા-જુદા શૃંગાર પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન શિવને કરવામાં આવતા શૃંગાર શ્રાવણ માસના દર સોમવારે તો અલગ-અલગ હોય જ છે પરંતુ દર વર્ષે પણ પાછલા વર્ષ કરતાં વિશેષ અને અલગ શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે ભક્તો માટે આ મંદિરમાં ફરાળનો પ્રસાદ પણ રાખવામાં આવે છે.
સમિતિ દ્વારા કરાયા છે બાળાઓ માટે ગરબીનું આયોજન
શ્રી મહાકેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા દ્વારા દર વર્ષે મંદિર પાસેના ચોકમાં નાની બાળાઓ માટે નવરાત્રી દરમિયાન ગરબીનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં 4 થી 11 વર્ષની બાળાઓ 9 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. આ તમામ બાળાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી પણ લેવામાં આવતી નથી. જ્યારે લાની સ્વરૂપે 15 જેટલી વસ્તુઓ આપવામાં આવે છે.