ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરથી શિવલિંગ લાવી કરાઇ છે સ્થાપના
રાજકોટમાં મહાદેવનું એક એવું મંદિર કે જ્યાં
મવડીની વૃંદાવન સોસાયટીમાં આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર: 70 વાર જગ્યામાં બનેલા મંદિરમાં શનિદેવને તેલ ચડાવવા લાગે છે ભક્તોની લાઇન

રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલા શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આજથી 22 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અહી શિવજી સ્વયંભૂ પ્રગટ નથી થયા. પરંતુ આ વિસ્તારમાં મંદિરમાં ન હોય લોકો સનાતન ધર્મમાં આવતા ધર્મિક પ્રસંગો ઉજવી શકે અને ભગવાનની પૂજા-અર્ચના કરી શકે તે માટે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

રાજકોટના મવડીમાં વિસ્તારમાં વૃંદાવન સોસાયટી શેરી નં.6માં રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. જેની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા એક રાજકીય અગ્રણી બાબુભાઇ વાંકને મંદિર બનાવવાનો વિચાર આવ્યો હતો. બાદમાં એમણે સોહન લાલ આમેટા, ગોપાલભાઈ આમેટા, સોનાબેન સવાડ વિશ્વેશર મહાદેવ મંદિરના મહંત સાથે મળીને મંદિરની સ્થાપના કરી હતી.

આ મંદિર વિશે મંદિરના પૂજારી અલ્પેશભાઈ આમેટાએ જણાવ્યું હતું કે, સ્વ. બાબુભાઇ વાંકે મંદિર માટે પોતાની 70 વાર જગ્યા દાનમાં આપી દીધી હતી. ત્યારબાદ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. વર્ષ 2002માં મંદિર તૈયાર થતાં અખાત્રીજના દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવા માટે ઉત્તર પ્રદેશના ઓમકારેશ્વરની નર્મદા નદીથી શિવલિંગ લાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે, નર્મદા નદીમાં રહેલા કંકડ પણ શિવલિંગ માનવામાં આવે છે. આ વિસ્તારમાં મંદિર બનતા લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે સનાતન ધર્મના તમામ તહેવારોની ઉજવણી કરે છે.
આ મંદિર પરિસરમાં મહાદેવ ઉપરાંત ઉમિયા માતાજી, રામ દરબાર, ખોડિયાર માતાજી, શીતળા માતાજી, શનીદેવ, સાઈબાબા રાધા કૃષ્ણની પણ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રહેતા લોકોને રામેશ્વર મહાદેવ પર ખૂબ જ શ્રદ્ધા છે. એવું કહેવાય છે કે, અહી માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી માથું ટેકાવનારા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ વિસ્તારમાં એકમાત્ર આ મંદિરમાં જ શનિદેવની પણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હોય દર શનિવારે શનિદેવને તેલ ચડાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો આહી આવે છે.
મંદિરમાં ઉજવાતા તહેવારો અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ભક્તો અને લતાવાસીઓ જ પોતાની રીતે ફાળો એકઠો કરી તહેવારોની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. રામ નવમી, શિવરાત્રી, હનુમાન જયંતી સહિતના પ્રસંગો હર્ષોલ્લાસ અને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.
30 મહિલાઓ ચલાવે છે ધૂન મંડળ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં ધાર્મિક પ્રસંગોની ઉજવણી તો થાય જ છે. ઉપરાંત અહી ગોપી મંડળ પણ ચાલે છે. જેમના દ્વારા ધૂન-ભજન, કિર્તન કરવામાં આવે છે. આ ગોપી મંડળમાં અંદાજે 30 જેટલી મહિલાઓ છે. જે ધૂન મંડળ ચલાવે છે.