બી ડિવિઝન પોલીસ મથકમાં યુવકનું હાર્ટ એટેકથી મોત
મોરબી રોડ જકાતનાકા પાસે રહેતો યુવક મારામારીની અરજી કરવા આવ્યો ત્યારે પોલીસ મથકના વેઇટિંગ રૂમમાં બેભાન થઈ ઢળી પડ્યો
શહેરમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના બી. ડિવિઝન પોલીસ મથકે મોડી રાત્રિના મારામારીની અરજી કરવા આવેલો 36 વર્ષીય યુવાન વેઇટિંગ રૂમમાં બેઠો હતો ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેને સારવારમાં ખસેડયા તેનું ટૂંકી સારવારમાં મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ જકાતનાકા પાસે ન્યુ જલારામ સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ અરજણભાઈ રામાણી (ઉ.વ. 36) રાત્રિના દોઢેક વાગ્યાની આસપાસ પોતે તેમના પરિવારજનો સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં મારામારીની ફરિયાદ કરવા માટે આવ્યા હતા. અને તેઓ પોલીસ મથકના વેઇટિંગ રૂમમાં બેસેલ હતા ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા.બનાવની જાણ થતા પરિવારજનો સહિત હાજર પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો.અને તેઓને સીપીઆર આપ્યા બાદ બેભાન હાલતમાં 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.બનાવ મામલે પીઆઈ સુધીર રાણેએ જણાવ્યું હતું કે, મૃતક ઇમિટેશનનું કામ કરે છે.અને તેમને સંતાનમાં એક દીકરી છે.તેમની સાથે એક શખસે મારામારી કરી હોવાથી તેઓએ અરજી કરી હતી.અને અરજીના કામે તેઓને અને મારામારી કરનારને પોલીસ મથક પર બોલાવ્યા હતા.તેઓ વેઇટિંગ રૂમમાં બેઠા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ઉલ્લેખનીય છે કે,અગાઉ પ્રદ્યુમન પોલીસ મથકમાં પણ ફરિયાદ કરવા આવેલા પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.ત્યારે શહેરમાં આ બીજો બનાવ સામે આવ્યો છે