સોશિયલ મીડિયા ઉપર દરરોજ અવનવા ફિચર આવી રહ્યા છે જે ક્યારેક મુસિબત ઉભી કરી દેતાં હોવાનું એક નહીં બલકે અનેક વખત બની ચૂક્યું છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. તારી પત્ની પરપુરુષ સાથે વાત કરે છે છે તેવો પતિને કહેવાતા શુભચિંતકે મેસેજ કરી છંછેડતાં આખરે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં તેની સામે ગુનો નોંધાયો હતો.
આ અંગે દિનેશ હમીરભાઈ ગરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે ઘડિયાલના પટ્ટાના કારખાનામાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાના આઈડી ઉપર પત્નીનો ફોટો પોસ્ટ કરેલો છે. દરમિયાન 7 માર્ચે સવારે 11 વાગ્યા આસપાસ તેને એક અજાણ્યા વૉટસએપ નંબર પરથી હાઈનો મેસેજ આવ્યો હતો. આ નંબર ઉપર વાત કરતાં સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે ‘હું તમારો શુભચિંતક છું, તમારા પત્ની રાત્રે બીજા સાથે વાત કરે છે આ પછી તેણે દિનેશની પત્નીનો ફોટો પણ મોકલ્યો હતો અને કહ્યું હતું કે પત્નીના લફરા વિશે ભત્રીજીને પણ બધી ખબર છે. આ નંબર ઉપરથી દરરોજ દિનેશને મેસેજ આવતાં હોય આખરે તેણે એ નંબર ઉપર ફોન કરતાં લાગ્યો ન્હોતો જેથી રોજના મેસેજથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.