રાજકોટ શહેરમાં પ્રેમલગ્ન બાદ સાસરિયાએ “તારા પગ ભારે છે અમારે દેણું વધી ગયું” તેમ કહી પરિણીતા પર સિતમ ગુજાર્યો હતો. પરંતુ પતિએ મારઝૂડ કરતાં પિયરમાં જાણ કર્યા બાદ આખરે કુવાડવા રોડ પોલીસ મથકમાં પતિ સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, હુડકો ફાયરબ્રિગેડની પાછળ મણીનગર શેરી નં.4માં પિતાના ઘરે રહેતી 20 વર્ષીય માનશીબેન રવિભાઈ ડાંગર પોલીસ ફરિયાદમાં પતિ રવિ, સસરા નારાયણ ભાઈ, સાસુ હંસાબેન, જેઠ અંકિત, જેઠાણી સોનલ, અને નણંદ પારૂલબેન નામ આપતા જણાવ્યું હતું કે, નવેક મહિના પહેલા રવિ ડાંગર સાથે લવ મેરેજ કરેલ છે. આ રવિના બીજા મેરેજ હતા. લગ્નના થોડો સમય સાસરિયાએ સારી રીતે રાખેલ પરંતુ ત્યાર બાદ સાસુ અને જેઠાણી માનશીને મેણા ટોણા મારતા હતા કે, “તું કામ કરતી નથી અને કરિયાવર લાવેલ નથી’ તેણીના સસરા અને જેઠ પણ કહેતા કે, “તું અમારા ઘરમાં આવ્યા પછી અમારે દેણું વધી ગયુ છે અને તારા પગ ભારે છે’ આમ તેણીએ લવ મેરેજ કર્યા હોય જેથી સાસરિયાનો સિતમ સહન કર્યો અને પિયરમાં જાણ કરી ન હતી.
જે બાદ ઘર સંસાર બગડે નહીં જેથી બંને ખોડલધામ સોસાયટીમા રહેવા જતાં રહ્યા હતા પરંતુ અહીં પણ પરિવારની ચડામણીથી માનસીબેનનો પતિ તેના પર શંકા કરતો અને ઘરકામ બાબતે પણ બોલાચાલી કરતો હતો ગત તારીખ તા.13/09/2025 રવીએ પત્ની માનસીને મારમાર્યો હોય જે સહન ન થતાં તેણીએ માતા બેન્સુબેન ને ફોન કરી વાત કરેલ અને પોતાને અહીં રહેવું ન હોય જેથી તેડી જવા માટે કહ્યું હતું. જે બાદ તેણીએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. બનવા અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
