બીમાર પિતાની સારવાર માટે લોન લેવા જતાં યુવક છેતરાયો : ગઠિયાએ 3.58 લાખ પડાવ્યા
ગોંડલના ગુંદાસરા ગામે રહેતા યુવકને ગઠિયાએ ફોન કરી બજાજ ફાઇનાન્સના મેનેજરની ઓળખ આપી ચાર્જના નામે પૈસા જમા કરાવી સાયબર ફ્રોડનો શિકાર બનાવ્યો
ગોંડલના ગુંદાસરા ગામે રહેતા યુવકના પિતા બીમારી હોય અને પોતાને પૈસાની જરૂરિયાત હોય જેથી ઓનલાઈન લોન લેવા જતાં સાયબર ગઠિયાનો ભેટો થયો હતો.અને ગઠિયાએ પોતે બજાજ ફાઇનાન્સનો મેનેજર હોવાનું કહી 5 લાખની લોન કરવી આપશે તેમ કહી ચાર્જના નામે રૂ.3.58 લાખ પડાવી સાયબર ફ્રોડ આચરતા ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગોંડલના ગુંદાસરા ગામે અવંતીકા-એ, ન્યુ સોસાયટી બ્લોક નં.બી-૧૩માં રહેતા અને સડક પીપળીયા ગામ પાસે આવેલી કંપનીમાં નોકરી કરતાં જયેશભાઇ ગોવીંદભાઈ રાઠોડ નામના 30 વર્ષીય યુવકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે ગત તા.6/09ના નોકરી પર હતો.ત્યારે કે,અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.જેમાં સામે વાત કરતાં વ્યક્તિએ પોતે બજાજ ફાઇનાન્સના મેનેજર પ્રિયમ ઝા વાત કરે છે.તેમ કહ્યું હતું અને તમારે લોનની જરીરીયાત છે? તેમ પૂછતાં યુવકના પિતા બીમાર હોય અને તેમની સારવાર કરવા માટે પોતાને પૈસાની જરૂરિયાત હોવાથી લોનની હા પાડતા ગઠિયાએ 5 લાખની લોન કરાવી દેશે તેમ કહ્યું હતું.જેથી પ્રથમ લોન કરવા માટે રૂ.2550 ચાર્જના નામે પડાવ્યા હતા.તેવી જ રીતે કટકે કટકે રૂ.3,58,948 પડાવ્યા હતા.જે પૈસા યુવકે તેના અલગ અલગ મિત્રો પાસેથી ઉધાર લીધા હતા.આમ ગઠિયાએ ચાર્જના નામે પૈસા ખંખેરી લોન ન કરી આપી યુવકને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા સાયબરના હેલ્પ લાઇન પર અરજી કરતાં ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.