તમને સ્વિફ્ટ ડિઝાયર કાર ઈનામમાં લાગી છે’નો મેસેજ મળ્યો’ને ૯૯૫૦૦ ગુમાવ્યા !
ઓનલાઈન રોકાણ, ટાસ્ક પૂરા કરવા, સસ્તો મોબાઈલ ખરીદવા, વોટ કરવા સહિતની
સ્કીમ’માં પાંચ લોકો ફસાયા
રાજકોટ સહિત આખા દેશમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધી રહ્યું છે અને દરરોજ લોકો લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. પોલીસ દ્વારા અનેક પ્રકારની અપીલ છતાં હજુ ઘણા લોકો એવા છે જેઓ લાલચમાં ફસાયા વગર રહી શકતા નથી. આવા જ પાંચેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં એક વ્યક્તિને `તમને સ્વિફ્ટ ડિઝાયર કાર ઈનામમાં લાગી છે’નો મેસેજ મળ્યો અને ૯૯,૫૦૦ રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો હતો. જો કે પોલીસે કાર્યવાહી હાથ ધરી ગુમાવેલી રકમમાંથી ૫૦,૦૦૦ રૂપિયા પરત અપાવ્યા છે.
શુભમ જયવંતભાઈ નામની વ્યક્તિના ફોન નંબર ઉપર નાપતોલમાંથી સ્વિફ્ટ ડિઝાયર ગાડી ઈનામમાં લાગી છે તેવો એક ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો અને તે ગાડી અથવા રોકડ રકમ મેળવવા માટે તેમાં આપેલા અજાણ્યા મોબાઈલ નંબર રજિસ્ટે્રશન કરાવ્યા બાદ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તે નાપતોલમાંથી વાત કરી રહ્યાનું કહ્યું હતું. શુભમને જે ગાડી ઈનામમાં લાગી હતી તે અથવા તો તેના બદલામાં રોકડ મેળવવા માટે પ્રોસેસીંગ ચાર્જની માંગણી કરી હતી જે પછી શુભમે ૯૯૫૦૦ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ તેને ન તો ગાડી મળી કે ન તો રોકડ ઈનામ…! આ અંગેની ફરિયાદ થતાં જ પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરાવી શુભમને ૫૦,૦૦૦ પરત અપાવ્યા છે.
આ જ રીતે મલય જિજ્ઞેશભાઈ નામની વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ એપમાંથી સસ્તા ભાવમાં મોબાઈલ ખરીદ કર્યો હતો જે પછી તેને રિફંડેબલ ચાર્જનું બહાનુ બનાવી મોબાઈલની ડિલિવરી સાથે જ બધી રકમ રિફંડ કરી આપવાનું કહી તેની પાસેથી ૨.૪૩ લાખ પડાવી લેવાયા હતા જેમાંથી પોલીસે ૧,૮૨,૪૮૬ પરત અપાવ્યા છે. જ્યારે હાર્દિક પ્રભાતભાઈ હેરભા (રહે.રેલનગર)ને ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાના ચક્કરમાં ૧.૨૭ લાખ ગુમાવ્યા હતા તેમાંથી ૧.૨૨ લાખ પોલીસે પરત અપાવ્યા છે. જ્યારે એક અરજદારે ઓનલાઈન રોકાણ કરી વધુ પૈસા કમાવાની લ્હાયમાં ૧,૦૩,૨૦૦ ગુમાવ્યા હતા તેમાંથી ૫૬,૦૦૦ પોલીસે પરત અપાવ્યા છે.
ગાંધીગ્રામ પોલીસની સાયબર સ્કવોડે અરજદારોને ૫.૧૨ લાખ પરત અપાવ્યા
ગાંધીગ્રામ પોલીસની સાયબર સ્કવોડ દ્વારા એક મહિનાની અંદર અલગ-અલગ અરજદારોને ૫,૧૨,૫૧૫ની રકમ પરત અપાવાઈ છે. આ ઉપરાંત ઈમ્તિયાઝહુસેન બિસ્મીલ્લાહ મલેક (રહે.ખેડા) દ્વારા મહિલાને વારંવાર મેસેજ અને ફોન કરી પજવવામાં આવતી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ બી.ટી.અકબરી, બી.બી.જાડેજા, એએસઆઈ જે.કે.જાડેજા સહિતના દ્વારા કરવામાં આવી હતી.