એમ્બ્યુલન્સમાં પતિને લઈ જતી મહિલાની છેડતી: વિરોધ કર્યો તો રસ્તા પર ફેંકી દીધા
એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને તેના સાથીએ માનવતા લજવી
યુપીમાં બની ભયંકર ઘટના: ઓકસીજન માસ્ક પણ ખેંચી લીધું:ઘવાયેલા પતિનું હોસ્પિટલમાં મોત
ઉતર પ્રદેશમાં બીમાર પતિને એમ્બ્યુલન્સમાં લઈ જતીમહિલા ઉપર એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને તેના સાથીએ જાતીય હુમલો કર્યા બાદ બન્નેને રસ્તા પર ફેંકી દીધા હતા. ઘવાયેલા બીમાર પતિએ બાદમાં ગોરખપુરની હોસ્પિટલમાં દમ તોડી નાખ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મહિલા તેના બીમાર પતિ હરીશને નજીકની બસ્તી મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ ગઈ હતી.ત્યાંથી તબીબોએ તેને બીજી હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી.જો કે ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ પોસાય તેમ ન હોવાથી મહિલા બીમાર પતિને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. મહિલાએ કરેલી ફરિયાદ મુજબ એમ્બ્યુલન્સના ડ્રાઇવરે તેને પરાણે આગલી સીટમાં બેસાડી અને બાદમાં તેણે અને તેના સાથીએ જાતીય હુમલો કરી આડપલા શરૂ કર્યા હતા. મહિલાએ તેનો વિરોધ કરી બુબાબુમ કરતા ડ્રાઇવરે બીમાર પતિના ચહેરા ઉપરથી ઓક્સિજન માસ્ક ખેંચી લઈ અને બાદમાં બન્નેને અધવચ્ચે રસ્તા પર ફેંકી દીધા હતા.
આ બનાવ અંગે મહિલાએ તેના ભાઈને ફોન કર્યો હતો અને તેના ભાઈએ પોલીસને જાણ કર્યા બાદ પોલીસે ઘાયલ થયેલા બીમાર પતિને ગોરખપુર ની હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મહિલાએ લખનૌના ગાઝીપુર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપી હોવા છતાં પોલીસે ડ્રાઇવર અને તેના સાથેની ધરપકડ ન કરી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો. ઓક્સિજન માસ્ક હટાવી લેવાને કારણે તેના પતિની હાલત વધારે બગડી હોવાનું જણાવી મહિલાએ બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધવાની માગણી કરી હતી.લખનૌ ઉત્તરના ડીજીપી જીતેન્દ્ર દુબેએ સિદ્ધાર્થનગર જિલ્લાની મહિલાએ ગાઝીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું અને પગલા લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.