ઘંટેશ્વર પાસે બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં પરિણીતાનું મોત
ગોંડલ રોડ પર બાથરૂમમાં પગ લપસતા વૃદ્ધનું પ્રાણ પંખેરું ઉડી ગયું
રાજકોટમાં ઘંટેશ્વર પાસે એસઆરપી કેમ્પની પાસે ભાડાના મકાનમાં રહેતા પરિણીતાનું બિલ્ડિંગના ચોથા માળેથી પટકાતાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી પામી છે.બીજા બનાવમાં ગોંડલ રોડ પર વૈદવાડી શેરી નં.૩માં રહેતાં વૃદ્ધનું ઘરે બાથરૂમમાં પટકાઈ જવાથી બેભાન થતાં મોત નિપજ્યું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના એસઆરપી કેમ્પ ની સામે વર્ધમાન સોસાયટીમાં ક્રિષ્ના હાઇટ્સમાં ભાડાના મકાનમાં રહેતા સંગીતાબેન બેબીપ્રસાદ જોલટ (ઉં.વ.22) નામની પરિણીતા રાત્રીના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ચોથા માળેથી પટકાઈ હતી.બનાવની જાણ તેના પતિ બેબીપ્રસાદને થતાં તેણે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા.અને 108 મારફત સિવિલમાં ખસેડતા હાજર તબીબોએ તપાસી મૃત જાહેર કરી હતી. આ મામલે યુનિવર્સિટી પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક સંગીતાબેન મૂળ યુપી બિહારના વતની છે.મૃતકના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે બેબીપ્રસાદ જલોટ સાથે થયા હતા.દંપતી રાજકોટમાં રહી મજૂરી કામ કરતાં હતા.હાલ પરિણીતાએ આપઘાત કર્યો છે કે અકસ્માત છે તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.
અન્ય બનાવમાં ગોંડલ રોડ પર વૈદવાડી શેરી નં.૩માં ડી-માર્ટની સામે રહેતાં મનોજભાઈ વૃજલાલભાઈ મારૂ (ઉં.વ.59) નું સવારે ઘરે પડી જતાં બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મનોજભાઈ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે દવાનો વેપાર કરતાં હતાં. ઘરે સવારે બાથરૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે લપસી પડયા હતાં અને બેભાન થઈ ગયા હતાં. અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવ મામલે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
જેતપુરમાં અગાસી પરથી પટકાતા દોઢ વર્ષની માસૂમનું કરૂણ મોત
જેતપુરમાં અગાસીએથી નીચે પટકાતા દોઢ વર્ષની બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે. વિગતો મુજબ ફૂલવાડી શેરીમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ કારેલીયાની દોઢ વર્ષની પુત્રી ધ્વનિ અગાસીએ રમતી હતી ત્યારે રમતા રમતા રેલિંગ પકડી ઉંચી થવા જતા તેણી નીચે પટકાઇ હતી. અને પરિવારજનો દોડી જઈ લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક જેતપુર બાદ રાજકોટ સિવિલમાં ખસેડતા અહી તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. હાલ પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.